Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કપાસ વેચાણમાં ખેડુતો સાથે થતી છેતરપીંડીનો રાજકોટ યાર્ડના સંચાલકોએ પર્દાફાશ કર્યો

બારોબાર કપાસ વેચતા ખેડુતો ચેતે, વે બ્રીજમાં વજન વખતે ટ્રકમાં લોખંડની પ્લેટો ગોઠવી વજન ઓછુ દેખાડવાનું કારસ્તાનઃ પડધરીના ખંભાળાના બે ખેડુતોને યાર્ડના સંચાલકોએ ૧ર.પ૦ લાખ અપાવી ૧ લાખનો દંડ વસુલ કર્યો

તસ્વીરમાં ગેરરીતી કરતા પકડાયેલ ટ્રક-ડ્રાઇવર સાથે આગેવાનો અને યાર્ડનો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ર૩ : ખેડૂતો યાર્ડમાં કપાસ વેચવાના બદલે બારોબાર વેચાણ કરતા હોય છેતરપીંડીનો ભોગ બને છ.ેરાજકોટ યાર્ડના સંચાલકોએ ખંભાળાના ખેડૂત સાથે થયેલ છેતરપીંડીનો પર્દાફાશ કર્યો હતો.

ગત તા.૧૯ ના રોજ પડધરી તાલુકાના ખંભાળા ગામના ખેડુત રતીલાલ ભવાનભાઇ મેંદપરા તથા રાજેશભાઇ ભવાનભાઇ મેંદપરાએ ટંકારાના શ્રી  સહકાર કોટનના રમણિકભાઇ ભાલોડીયા સાથે કપાસના વેચાણનો સોદો કરેલ. અને કપાસ ર૦ કિલોગ્રામનો ભાવ રૂ.૧ર૯૦/- નકકી થયેલ. નિયત કરેલ સોદા મુજબ શ્રી સહકાર કોટન-ટંકારા તરફથી કપાસ ભરવા માટે ટ્રક નંબર (૧) જીજે.-૩-યુ-પ૦૯૬ તથા (ર) જીજે.-૩-વી-૮૬૦૭ ખાલી ટ્રકનું વજન કરાવીને ખેડુતના ખંભાળા ગામે આવેલ અને બન્ને ખેડુતોનાો કપાસ ભરીને વે બ્રીઝ ઉપર ભરેલ ગાડીનું વજન કરાવવા માટે રવાના થયેલ હત.

ભરેલ ગાડીનું વે બ્રીઝ ઉપર વજન થાય તે પહેલા ખંભાળા  ગામની બહાર રસ્તામાં ટ્રક ઉભી રાખી ટ્રકમાંથી કોઇ સામાન ઉતારતા હોવાની જે તે સ્થળ પાસે ખેતરમાં કામ કરતી સતર્ક મહિલાએ શંકાસ્પદ પ્રવૃતિ જોતા તેણીએ પોતાના ગામના આગેવાનોને ફોન કરી જાણ કરતા, ગામના લોકો તથા કપાસ વેચનાર બન્ને ખેડુતોએ તાત્કાલીક ઉભી રાખવામાં આવેલ ટ્રકના સ્થળે પહોંચતા ટ્રક-ડ્રાઇવરે ટ્રક ભગાડી જવાની કોશીષ કરતાં તેને અટકાવવામાં આવેલ. તેમજ સ્થળ ઉપર તપાસ કરતાં કપાસ ભરેલ ટ્રકમાં ડ્રાઇવર સીટ પાછળ સંતાડવામાં આવેલ ભારેખમ લોખંડના વજનીયા જેવી પ્લેટો ઉતારી અન્ય બીજા વાહનમાં મોકલવાની તજવીજ કરતા હોવાનું જણાવેલ. જે દેખીતી રીતે ટ્રકના વજનમાં ગેરરીતી કરતા હોવાનું માલુમ પડતા કપાસ વેચનાર ખેડુતે બજાર સમિતિ-રાજકોટને જાણ કરતા ચેરમેન ડી.કે. સખીયાની તાત્કાલીક સુચનાથી માર્કેટ યાર્ડ-રાજકોટના ઇન્સ્પેકટર આર.બી.લુણાગરીયા, એમ.કે.સાકરીયા તથા એસ.વી.જાડેજા ઘટના સ્થળે પહોંચી બનેલ ઘટનાથી વાકેફ થઇ જીણવટભરી તપાસ કરતાં કપાસના વજનમાં ગોલમાલ કરવા માટે વે બ્રીજ કરાવતી વખતે લોખંડની પ્લેટો રાખવાની તથા કપાસ ભરી ઉકત લોખંડની પ્લેટો દુર કરાવી ભરેલ ગાડીનું વે બ્રીઝ કરાવવાની પ્રવૃતિ કરતાં હોવાનું જણાયેલ જેથી વજનમાં ગોલમાલ કરી ખેડુતોની જણસ/કપાસનું વજન ઓછું બતાવી છેતરપીંડી આચરતાં હોવાનું જણાયેલ હતું.

ગેરરીતી પકડતા ટ્રક તથા વજનીયા/લોખંડની પ્લેટો નંગ ૧૬ કબ્જે કરી માર્કેટ યાર્ડમાં બન્ને ગાડીઓ લાવવામાં આવેલ. જયા વિશેષ તપાસ કરતા લોખંડની પ્લેટ કે જેનુ એકનું વજન ૩૩ કીલો જેવું થતા કુલ૧૬ પ્લેટનું વજન પરપ કિલોગ્રામ થયેલ હતું. મતલબ કે ટ્રકમાં ભરેલ કપાસના ખરેખર વજનમાંથી પરપ કિલોગ્રામ વજન ઓછું બતાવી તેટલો ખેડુતનો કપાસ/જણસી મફત પડાવી લેવામાં આવતો હોવાનું સાબીત થયેલ હતું.

ઉકત ગેરરીતીનો પર્દાફાસ થતાં સમાધાનના ભાગરૂપે વેપારી સહકાર કોટન-ટંકારા તરફથી કપાસની કિંમત ઉપરાંત તેેટલી જ વધારાની રકમ બન્ને ખેડુતોને રૂ.૬,રપ,૦૦૦/+ રૂ. ૬,રપ,૦૦૦/- ખેડુતને બજાર સમિતિ-રાજકોટના માધ્યમથી અપાવવામાં આવેલ તેમજ રૂ.૧,૦૦,૦૦૦/- ની રકમ બજાર સમિતિ-રાજકોટ તરફથી દંડ સ્વરૂપે વસુલ કરવામાં આવેલ હતી.

આ કિસ્સાથી ખેડુત ભાઇઓ વાકેફ થઇ માર્કેટ યાર્ડના માધ્યમ વગર બારોબાર વેપારીઓને વેચાણ કરવામાં ઉપસ્થિત થતી ગેરરીતી જાણી, આવા વેચાણ નહિ કરવા તથા માર્કેટ યાર્ડમાં જ વેચાણ કરી ખુલ્લી હરરાજી, ખરો તોલ, અને રોકડા નાણાની વ્યવસ્થાને ધ્યાને લઇ માર્કેટ યાર્ડમાં જ પોતાની ખેત પેદાશો વેચાણ કરે તે જરૂરી છ.ેતેમ માર્કેટ યાર્ડના ચેમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું.

(1:13 pm IST)