Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કલ્યાણપુરના ભાટિયામાં ઘરકંકાશથી પરિવારનો માળો પીંખાયો એક્સ આર્મીમેને પત્નીને ગળેટુંપો આપીને મોતને ઘાટ ઉતારી

માતાએ અમદાવાદ અભયાસ કરતા પુત્રને કહ્યું મને મારી નાખશે : પુત્રએ મિત્રને ઘેર દોડાવ્યો પરંતુ મિત્ર પહોંચે એ પહેલા હત્યા

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે ઘરકંકાશથી પરિવારનો માળો પીંખાયો હોવાનું સામે આવ્યું છે. વારંવાર થઈ ર હેલા ઝઘડાના કારણે એક્સ આર્મીમેને પત્નીની ગળેટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી છે. પુત્રએ પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે પોસ્ટ ઓફિસના પાછળના ભાગે રહેતા એક્સ આર્મીમેન દિલીપગીરી ગોસ્વામી (ઉ. 46)ને તેની પત્ની ભાવનાબેન સાથે અવાર નવાર ઝઘડાઓ થતા હતાં. ઘરેલું ઝઘડાના કારણે વારંવાર દંપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રોજ બરોજના ઘરેલું ઝઘડાથી કંટાળેલા એક્સ આર્મીમેન દિલીપગીરીએ તેમની પત્ની ભાવનાબેનનું ગળેટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટના પહેલા જ માતાએ તેમના અમદાવાદ અભ્યાસ કરતા પુત્ર અભિષેકને જાણ કરી હતી અને તેના પિતા તેને મારી નાંખશે તેવી વાત કરતા અભિષેકે આસપાસમાં રહેતા તેના મિત્રને ફોન કરીને ઘરે જવા જણાવ્યું હતું.

પરંતુ ઘરે મિત્ર પહોંચે તે પહેલા જ પિતાએ માતાને ગળે ટુંપો આપીને હત્યા કરી નાંખી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ભાવનાબેનને બે સંતાન છે. તેમા તેમની પુત્રી પોરબંદર નાનીમાના ઘરે રહીને અભ્યાસ કરી રહી છે. જ્યારે પુત્ર અભિષેક અમદાવાદ અભ્યાસ કરે છે. આ અંગેની જાણ મિત્રએ તેમના પુત્રને કરતા પુત્ર ઘરે આવી ગયો હતો. પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી એક્સ આર્મીમેનને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

(11:18 pm IST)