Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ધ્રાંગધ્રામાં તબીબે શિશુને કોથળીમાં પૂરી લટકાવ્યો

ખાનગી હોસ્પિટલ ડો.ખેડાવાલાના કૃત્યથી ફિટકારઃ બાદમાં બાળકનો રડવાનો અવાજ સંભળાતાં કોઇ અન્ય દર્દીએ ભાંડો ફોડયો અને બાળક તેના માતા-પિતાને મળ્યું

ધ્રાંગધ્રા,તા.૨૪: કહેવાય છે કે ડોક્ટર ભગવાનનુ બીજુ સ્વરુપ છે પરંતુ ડોક્ટર પોતાની ફરજ પ્રત્યે બેદરકાર થાય અને પોતાના સ્વાર્થ માટે અમાનવીય કૃત્ય આચરે ત્યારે આ ડોક્ટર શેતાનથી પણ વધુ ખરાબ ગણાઇ જાય છે. ધ્રાંગધ્રા શહેરના ખાનગી હોસ્પીટલ ડો. ખેડાવાલામાં બનેલા કંઇક આવા જ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. જેમાં ખુદ તબીબે જ એક નવજાત શિશુને મૃત ગણાવી કોથળીમાં પૂરી હોસ્પિટલના ટોયલેટમાં લટકાવી દીધું હતું. જો કે, બાદમાં બાળકનો રડવાનો અવાજ સંભળાતાં કોઇ અન્ય દર્દીએ ભાંડો ફોડયો અને અંતે બાળક તેના માતા-પિતાને મળ્યું હતું. આ બનાવને પગલે હવે ડો.ખેડાવાલા હોસ્પિટલના તબીબ અને સ્ટાફની સામે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે પરંતુ લોકોમાં માંગણી ઉઠી રહી છે કે, આટલી ગંભીર બેદરકારી દાખવનાર હોસ્પિટલ અને તબીબની આકરી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે, તેથી પોલીસે તટસ્થ અને ન્યાયી તપાસ કરવી જોઇએ.    આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, તાજેતરમાં ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે કાંતિલાલ પટેલને ત્યા ખેતરમાં મજુરી કામ કરવા આવેલા મુળ છોટા ઉદેપુરના રાકેશભાઇ રાઠવાની પત્ની પ્રેગ્નેન્ટ હતા. તેઓને સાંજના સમયે પ્રસૃતિની પીડા થતા પતિ સહિતના પરિજનો તાત્કાલિક તેઓને ધ્રાંગધ્રા રોકડીયા હનુમાન સામે આવેલા ડો. ખેડાવાલાની હોસ્પીટલમાં દાખલ કરી તેઓની ડિલવરી કરાવી હત. પરંતુ અહિના બેદરકાર ડો. ખેડાવાલા દ્વારા આ અશિક્ષીત પરિવારને તેઓને ત્યાં મૃત બાળકનો જન્મ થયો હોવાનું જણાવી હજારો રુપિયાનો તોડ કર્યો ત્યારબાદ ડો. ખેડાવાલા દ્વારા મંજુરી આપી મહિલાના પરિવારને હોસ્પીટલમાંથી રજા આપવાનું જણાવી તબીબ દ્વારા પોતાના બદઇરાદા પાર પાડવા મૃત જાહેર કરી જન્મેલા નવજાતશીશુને પોતે જ હોસ્પીટલના બાથરુમમાં કોથળીમા બંધ કરી મુકી રાખ્યું હતું, પરંતુ પોતાની જીંદગીનો શ્વાસ કુદરત પાસેથી લઇને આવેલા હોસ્પીટલના બંધ બાથરુમમાં પુરેલા આ નવજાતશીશુના રડવાનો અવાજ આવતા  તે સાંભળી અન્ય દર્દી દ્વારા બાથરુમ ખોલાવી તપાસ કરતા હાલમાં જ તાજા જન્મેલા બાળકને આ રીતે બંધ બાથરુમમાં જોઇ ભારે ચકચાર મચી ગઇ હતી. બાદમાં સમગ્ર ઘટના અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરાતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને  તાત્કાલિક આ નવજાત શિશુને અન્ય હોસ્પીટલમાં સારવાર માટે મોકલી આપ્યું હતું.  ડો.ખેડાવાલાના આ કરતૂતોની જાણ છેક રામગઢ ગામે આ બાળકને જન્મ આપનાર મહિલાને થતા તેઓનો પરિવાર  સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોંચ્યો હતો. જયાં તેઓનું તાજું જન્મેલું બાળક તંદુરસ્ત હોવાનું જાણી ખુશખુશાલ થઇ ગયો હતો અને ઇશ્વરનો લાખ લાખ આભાર માન્યો હતો. બીજીબાજુ, સમગ્ર પંથકમાં આ ઘટનાને લઇ પોલીસ દ્વારા ન્યાયિક તપાસની માંગણી ઉઠી છે.

(9:49 pm IST)