Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પગાર વધારો-ભથ્થા ન લેનાર જુનાગઢનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ જીવંત દંતકથા સમાનઃ જયેન્દ્રભાઇ જોબનપુત્રા

સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતા ચેમ્બર ઓફ કોમર્સના માનદમંત્રી-રાજકીય-સામાજીક અગ્રણી

જુનાગઢ, તા., ૨૪: ગરવા ગિરનારની ગોદમાં ભોળાનાથ ભવનાથ અને દાતારના સાંનિધ્યમાં સોમનાથ અને વિરપુરની મધ્યમાં સતાધાર અને પરબના પડોશમાં આવેલ પવિત્ર ધરતી ભકત કવિ નરસૈયાની નગરી એવા જુનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં રાજકીય સામાજીક સેવાકીય ધાર્મિક પ્રવૃતિઓ કરી જુનાગઢ વિધાનસભા મત વિસ્તાર તથા મહાનગર જુનાગઢનું ગૌરવ વધારનાર નખશિખ પવિત્ર મહેન્દ્રભાઇ મશરૂની સેવાકીય પ્રવૃતીની સરાહના સાથે જુનાગઢના રાજકીય અને સામાજીક ક્ષેત્રના અગ્રણી અને ચેમ્બર ઓફ કોમર્સના પુર્વ માનદ મંત્રી જયેન્દ્રભાઇ જોબનપુત્રાએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે તાજેતરમાં ગુજરાત રાજય વિધાનસભા સત્રમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોએ સર્વાનુમતે પોતાના પગાર ભથ્થામાં નોંધપાત્ર વધારાને મંજુર કર્યો છે. ત્યારે મહેન્દ્રભાઇ મશરૂના ધારાસભ્ય તરીકેનું દાયકાઓની કારકીર્દી વર્તમાન ધારાસભ્યો માટે દ્રષ્ટાંતરૂપ બની રહે છે.

જયેન્દ્રભાઇ જોબનપુત્રાએ જણાવ્યું છેકે મહેન્દ્રભાઇ મશરૂ ૧૯૯૦ થી ર૦૧૭ સુધી સતત છ ટર્મ સુધી ધારાસભ્યપદે ચુંટાયા તેઓએ ધારાસભ્ય તરીકેના મળવાપાત્ર થતા પગાર, ભથ્થા, વાહન ભાડા, ધારાસભ્ય તથા તેના પરીવારને મળતી મેડીકલ સારવાર મીટીંગ કે સમારંભમાં થતા નાસ્તાઓ કે ભોજન, બસ કે રેલ્વેના પાસ, વિમાન મુસાફરી, ગાંધીનગરમાં મળતો ૩૩૦ ચો.વારનો પ્લોટ કે જેની કિંમત આશરે લાખો રૂપીયા થાય, કોઇ પણ જાતની લોન, વિધાનસભાની બેઠકના ભથ્થા કે મીટીંગના એલાઉન્સ જેવા અનેક પ્રકારના લાભો પૈકી એક પણ લાભ લીધેલ નથી. માત્ર અને માત્ર ખીસ્સાના ખર્ચે આવવા જવાનું ઉપરાંત ગાંધીનગર બેંકમાં ખાતુ પણ નહી. ત્યારે મહાનગર જુનાગઢનાં વિધાનસભા મન વિસ્તારની જનતાને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂના આ સિધ્ધાંતથી ગૌરવ અને ધન્યતા અનુભવે છે. બની શકે છે. મહેન્દ્રભાઇ મશરૂ સિવાયના કોઇ ધારાસભ્ય પગાર ભથ્થા પણ લીધા હોય પરંતુ તેઓ આટલા લાંબા સમય સુધી ધારાસભ્ય તરીકે રહ્યા પણ ન હોય.

જુનાગઢ મહાનગરના કોર્પોરેશનમાં પ્રથમ મેયર બનવાનું સદ્ભાગ્ય મહેન્દ્રભાઇ મશરૂને પ્રાપ્ત થયું અને અઢી વર્ષના મેયર પદ દરમ્યાન અને પાંચ વર્ષ વિપક્ષ નેતા પદે રહ્યા ત્યારે પણ મળવા પાત્ર થતા પગાર, વાહન, ટેલીફોન, નાસ્તા પાણી કે કોઇ ખર્ચે લીધેલ નથી. એટલું જ નહીં પણ મેયરની ચેમ્બરના દરવાજા સદાય માટે ખુલ્લા જ રહેતા અને કોઇ ચિઠ્ઠી પ્રથા હતી જ નહીં અને ભર ઉનાળો હોવા છતાં એ.સી.ની સુવિધા પણ ઉપલબ્ધ રાખી ન હતી તે ચોક્કસ રીતે અનુકરણીય ગણી શકાય.

દ્રષ્ટિ કરીએ તો સેવાકીય ક્ષેત્રે ગુજરાત રાજયમાં જેની ગણના થાય છે તેવી મહેન્દ્રભાઇ મશરૂના નેતૃત્વ હેઠળ કાર્યરત સર્વોદય બ્લડ બેંક (દવા ફંડ ટ્રસ્ટ) ૪૯ વર્ષ પુર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

મહેન્દ્રભાઇએ ૬૩ વખત રકતદાન કરેલ છે અને બ્લડ બેંકના વાહનોનો કોઇ અંગત ઉપયોગ કરેલ નથી કે એક કિ.મી.નો પ્રવાસ પણ કરેલ નથી. રકતદાતાઓના અભુતપુર્વ સહકારથી હજારો બોટલ રકતદાન કરાવીને દોઢથી બે લાખ દર્દીઓને રકતદાનથી જીવતદાન મળેલ છે. ઉપરાંત બ્લડ બેંકની પ્રવૃતિને એમ્બ્યુલન્સ, સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને દવા, ભોજન તેમજ બિમાર, મુંગા, ઢોર, પશુપક્ષીઓની સેવા, હોનારત દરમ્યાન નોંધપાત્ર સેવા, ગિરનાર આરોહણ અવરોહણની સ્પર્ધામાં ટીમ સાથે જરૂરી સેવા ઉપરાંત અનેક ધાર્મિક સામાજીક સેવાઓ કરી રહયા છે જે માટેસર્વોદય બ્લડ બેંકના કાર્યકરોની ટીમ ધન્યવાદને પાત્ર છે. ધારાસભ્ય તરીકે લાંબા સમય દરમ્યાન અને હાલ પુર્વ ધારાસભ્ય તરીકે પણ તેઓએ જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદ, ઉચ -નિચના ભેદભાવ વગર ગરીબ, હોય કે અમીર, બાળક હોય કે વૃદ્ધ સતત દિવસ રાત, શિયાળો,ઉનાળોકે ચોમાસાની પરવા કર્યા વિના ૨૪ કલાક સમાજ સેવા માટે જીવન સમર્પિત કરેલ છે.

ચોથા દ્રષ્ટાંત તરફ દ્રષ્ટિ કરીએ તો શ્રી લોહાણા મહાજનના પ્રમુખ તરીકે લોહાણા વિદ્યાર્થીભવનના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલ જલારામ મંદિરનાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે તેમજ અને જ્ઞાતિ સંસ્થાઓના માર્ગદર્શન તરીકે વર્ષોથી સેવા આપી રહયા છે તેમજ હાલ પણ રેડક્રોસ ખાતે સેવાકીય યજ્ઞ ચાલુ રાખેલ છે.

જયેન્દ્રભાઇ જોબનપુત્રાએ મહેન્દ્રભાઇ મશરૂ જેવા સુપુત્રને સમાજને ભેટ આપનાર પરમ વંદનીય માતુશ્રી કાંતાબેનનાં ચરણમાં વંદન કરેલ છે.

(3:31 pm IST)