Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પોરબંદરમાં સ્વાઇન ફલ્યુથી વૃધ્ધનું મોત

ગત માસમાં એક બાળકીના મોત બાદ સ્વાઇન ફલ્યુએ વધુ એકનો ભોગ લીધો

પોરબંદર તા.૨૪: ગત માસમાં સ્વાઇન ફલ્યુથી એક બાળકીનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા બાદ બે દિવસ પહેલા સ્વાઇન ફલ્યુના વૃધ્ધ દર્દીને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવી રહેલ ત્યારે રસ્તામાં દમ તોડી નાખ્યો હતો.

પોરબંદરમાં સ્વાઇન ફલુથી બે વ્યકિતના મોત નીપજ્યા બાદ સ્થાનિક તંત્ર હજુ સફાઇ માટે ગંભીર બન્યુ નથી સરકારી હોસ્પિટલમાં ઝેરી તાવ સહિતના દર્દોના કેસ વધતા જાય છે.

સરકારી હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સારવાર અને નિદાન કરવાને બદલે ઉદધતાઇ ભર્યુ વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી સીવીલ સ્વર્જનની જગ્યા ખાલી છે થોડા દિવસ પહેલા રાજય અને કેન્દ્રની આરોગ્ય ટીમ પોરબંદર આવેલ અને ચેકિંગ દરમિયાન સરકારી હોસ્પિટલમાંથી એકપાયરી ડેઇટવાળી દવાનો સ્ટોક મળી આવેલ અને જવાબદારોને દંડરૂપે એક દિવસનો પગાર કાપી લીધાનું જાણવા મળે છે.

(3:26 pm IST)