Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં વિસર્જન યાત્રા સાથે ગણેશ મહોત્સવનો વિરામ

ગામે-ગામ ભાવભકિતપૂર્વક ગણપતિ મહારાજની મુર્તિઓ પાણીમાં પધરાવાઇ શોભાયાત્રામાં ભાવિકો ઉમટયા

પ્રથમ તસ્વીરમાં ધોરાજી, બીજી, ત્રીજી, ચોથી તસ્વીરમાં વડિયા, પાંચમી-છઠ્ઠી તસ્વીરમાં ગારીયાધાર અને સાતમી તસ્વીરમાં મોરબીમાં આયોજીત ગણેશ મૂર્તિઓની વિસર્જન યાત્રા નજરે પડે છે.

રાજકોટ તા. ર૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૧ દિવસીય ગણેશ મહોત્સવનો વિરામ થયો છે. ગણેશજીની મુર્તિઓની ગામે-ગામ શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

ધોરાજી

ધોરાજીઃ ધોરાજી ખાતે સમગ્ર શહેરમાં ઠેર-ઠેર ભાવીકો દ્વારા ગજાનન ગણપતી મહારાજાને ૧૧ દિવસ પૂર્ણ થતા ભાવભીની વિદાય અપાઇ હતી. ધોરાજી શહેરમાં બિરાજતા વિઘ્નહર્તાને વિદાય આપવા વિવિધ વિસ્તારોમાં અબીલ-ગુલાલ, ઢોલ અને ડી.જે.ના ધમધમાટ સાથે વિદાય આપી અને અગલે બરસ તુ જલ્દી આ ના જયકારા સાથે ભાદર નદી, સફુરા નદી, તેમજ ઝાલણસર અને કેરાળી પાસે આવેલ નદીઓમાં મૂર્તિ વિસર્જન કરાઇ હતી.

ગારીયાધાર

ગારીયધારઃ શહેરના સરદાર સર્કલ, વાલ્મીકી, સમાજ, એકતા ગ્રુપ અને વાલમ ગ્રુપ સહિત અનેક વિસ્તારોમાં આજે ગણપતીબાપાના છેલ્લા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું સરદાર સર્કલ જગડુશાના દરબાર છેલ્લા ૧૦ દિવસથી સત્સંગ, રાસ ગરબા, મહાઆરતી અને મહાલાડુ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેના કારણે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહથી શહેરીજનોએ ભાગ લીધો હતો. જેમાં રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિના વસંતભાઇ ગોપાણી, રાજેશભાઇ જીવરાજાણી, સંજયભાઇ ગોરસીયા, નિલેષભાઇ રાઠોડ, જનકભાઇ રોય, ધીરૂભાઇ ભરોળીયા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

જયારે પંથકના રૂપાવટી પરવડી, નાની વાવડી, સાતપડી, અને નવાગામ સહિતના પંથકની ગામો દ્વારા પણ આજે વિર્સજન કરવામાં આવ્યું હતું જયારે અખતરીયા શેત્રુજી નદી કાંઠે પણ ગારીયાધાર, જેસર, પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

વડીયા

વડિયાના કૃષ્ણ પરામંથી ડીજેના તાલ સાથે ગણેશ વિસર્જન યાત્રા શરૂ કરી વડિયાના મુખ્યમાર્ગો પર ફરી સુરવો નદીમાં ગણેશ ભગવાનનું વિસર્જન કરવામાં આવ્યું હતું આજ વખતે વડીયામાં ગણેશ વિસર્જન દરમ્યાન હિન્દુ, મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળેલ જેમાં વડિયા મુસ્લિમ સમાજના પ્રમુખ ઇનુષભાઇ મોગલ સિકંદર સરવૈયા તેમજ જીગર કમિટી મુસ્લિમ બિરાદરો દ્વારા ગણેશ ભગવાનની પુજા અર્ચના કરી ગણેશજીના ભકતોનું ફુલહારથી સન્માન કરવામાં આવેલ જેમાં વડિયા સરપંચ છગનભાઇ ઢોલરીયા નિલેશ પરમાર, અરવિંદભાઇ અજાબિયા ચેમ્બર્સ, ઓફ કોમર્સ મિતુલ ગણાત્રા, તાલુકા પંચાયત સભ્ય તુષાર ગણાત્રા સહિતના ગણેશ ભકતોનું મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું તેમજ લોકો ડીજેના તાલથી ઝુમી ઉઠયા હતા અને અબીલ, ગુલાલ, ચોકલેટના વરસાદમાં રંગે ચંગે ઝુમી ગણપતિ બાપા મોર્યા અને અગલે બરસ તુ જલ્દી આના નાદ સાથે ગણેશ વિર્સજન કર્યું...

મોરબી

મોરબીમાં મોચી શેરી પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસે ખાખરેચી દરવાજા કા રાજા ગણેશ મહોત્સવનું ૧૦ દિવસ ધામધુમથી આયોજન કરાયું હતું આજે સાંજે ખાખરેચી દરવાજા કા રાજાની શહેરના માર્ગો પર રંગેચંગે ધામધુમથી ડિજે તાલે રાસ ગરબાની રમઝટ વચ્ચે વિર્સજન યાત્રા નિકળી હતી યુવાનો બહેનોએ રાસ ગરબાની રમઝટ બોવાવી શહેરના માર્ગો ગજાવી મુકાયા હતા દુદાળા દેવ ગણપતીજીનુ હરખભેર હર્ષ ઉલ્લાસથી વિદાય અપાય હતી.(૬.૪)

(11:58 am IST)