Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કોડીનારના ધાંટવડ ખાતે જલજીલણી એકાદશીની ભકિતભાવ પૂર્વક ઉજવણી

કોડીનાર તા.૨૪ : ભાદરવા સુદી એકાદશી એટલે જલ જીલણી એકાદશી. શાસ્ત્રોમાં બતાવેલ વર્ણન મુજબ બાર મહિનામાં આવતી બધી એકાદશીમાં ચાતુર્માસમાં આવતી એકાદશી શ્રેષ્ઠ ગણાય છે અને તેમાં પણ જલઝીલણી એકાદશી અતિ શ્રેષ્ઠ ગણાય છે. આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ પોઢયા હોય ત્યારે તેનું પડખુ ફેરવે છે માટે આને પરિવર્તન એકાદશી પણ કહેવાય છે અને આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા ગોપીઓની સાથે જળઝીલવા યમુના નદીમાં ગયા હતા માટે ત્યારથી જ આ દિવસે ભકતજનો ઠાકોરજીને જળ ઝીલવા લઇ જઇ ઉત્સવ ઉજવી આ પ્રસંગને તાદ્દશ કરે છે.

શાસ્ત્ર મુજબ આ એકાદશએ ઉપવાસ કરવાથી ૬૦ હજાર સંતો, બ્રાહ્મણોને ૧ લાખ વર્ષ સધુ નિત્ય જમાડવાથી જે ફળ મળે છે તે આજના ઉપવાસથી એટલુ જ ફળ મળે છે અને આ એકાદશીએ અનાજ જમવાથી આખી પૃથ્વીમાં જે પાપ થાય છે તે અન્ન જમવાથી લાગે છે માટે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય, સ્વામીનારાયણ સંપ્રદાય તથા દરેક સંપ્રદાયના ભકતજનો આજે ઉપવાસ કરી ઠાકોરજીની ભકિત કરે છે. ત્યારે કોડીનારના ઘાંટવડ ખાતે રૂડેશ્વર મંદિર ખાતે આવેલ શિંગોડા નદીના કાંઠે બોટાદ સ્વામીનારાયણ મંદિર કોઠારી શ્રી નિર્ભયચરણ સ્વામી, બગસરા સ્વામીનારાયણ મંદિરથી શ્રી અદભૂત સ્વામી તથા પારસદો દ્વારા કોડીનારના હરિભકતોને સાથે લઇ ઠાકોરજીનો અભિષેક તેમજ થાળ અને આરતી ઉતારી ઠાકોરજીને જળ ઝીલાવી એકાદશીનો મહિમા સમજાવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં હરિભકતો હાજર રહ્યા હતા.(૪૫.૨)

(11:52 am IST)