Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર ન હોવા છતાં

વેરાવળના સોનારીયા ગામે ગેબનશાપીરને વર્ષોથી હિન્દુ લોકો ચાદર ચઢાવે છે

પ્રભાસપાટણ તા.ર૪ : વેરાવળ તાલુકાના સોનારીયા ગામે ગામની બાજુમાં વાડી વિસ્તારમાં અતિ પ્રાચીન ગેબનશાપીરની જગ્યા આવેલ છે. આ ગેબનશા પીરને સમગ્ર ગ્રામજનો દ્વારા બ્રિટીશ શાસનના સમયથી દર ત્રીજા વર્ષે ચાદર ચડાવવામાં આવે છે. આ ગામની અંદર એકપણ મુસ્લીમ પરિવાર નથી અને માત્ર હિન્દુ સમાજની જ વસ્તી વસે છે. છતા આ ગેબનશાપીરને ચાદર ચડાવવાની પરંપરા જાળવી રાખેલ છે અને આ ચાદરને સોનારીયા ગામમાં ફેરવવામાં આવે છે અને ગેબનશાપીરને ચાદર ચડાવ્યા બાદ સમગ્ર ગ્રામજનો સાથે આ જગ્યાએ ભોજન લઇ અને છુટા પડે છે. તેવી વર્ષો જૂની પરંપરાને આજેપણ જાળવી રાખેલ છે અને તા.૨૧-૯-૧૮ ના રોજ આ ધાર્મિક વિધિ ધામધૂમથી ઉજવી અને હિન્દુ મુસ્લીમની કોમી એકતાનું દર્શન કરાવેલ છે.

ગામના લોકોના જણાવ્યા પ્રમાણે આ જુનુ ગામ આ જગ્યાએ હતુ પરંતુ આ જગ્યાએ વારંવાર રંજાળ અને કુદરતી આફતો આવતી હતી. ત્યારે આ ગેબનશાપીર દ્વારા બતાવેલ આ ગામને અહીથી એક કીમી દૂર વસાવો અને તે સમયના વડીલોએ આ ચમત્કારીક વાતને માન્ય રાખી અને ગામને આ જગ્યાએથી દૂર વસવાટ કરેલ છે ત્યારથી આ ગામમાં સુખ શાંતી છે અને દરેક લોકો હળી મળીને રહે છે. આજે પણ આ ગેબનશાપીરનો ચમત્કાર માની અને ગેબનશાપીરના કહ્યા પ્રમાણે આજે દર ત્રીજા વર્ષે ચાદર અને ઉત્સવ મનાવવામાં આવે છે અને પ્રસાદ લઇ લોકો છુટા પડે છે.

આ તકે ગામના તમામ આગેવાનો અને દરેક લોકો આ ઉત્સવમાં જોડાય છે અને ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવે છે.(૪૫.૨)

(11:51 am IST)