Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

વિંછીયાના ફાયરીંગ પ્રકરણમાં વધુ એક આરોપી રણજીત કાઠી પકડાયોઃ બન્નેના રીમાન્ડ મંગાયા

અન્ય એક આરોપી દિલીપ કાઠી સાયલા પોલીસ મથકમાં હત્યાની કોશિષના ગુન્હામાં પકડાયો હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવા તજવીજઃ ફાયરીંગની ઘટનાના વિરોધમાં કોળી સમાજ દ્વારા મહારેલી નીકળીઃ પોલીસ-મામલતદારને આવેદન અપાયુ

વિંછીયા તા. ર૪ :.. વિંછીયાના ફાયરીંગ પ્રકરણમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. જયારે અન્ય એક આરોપી સાયલા પોલીસ મથકમાં પકડાઇ જતા તેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવા તજવીજ હાથ ધરાઇ છે. બીજી બાજુ ફાયરીંગની ઘટનાના વિરોધમાં આજે પણ કોળી સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી વિગતો મુજબ ચાર દિવસ પૂર્વે વિંછીયાના મુકેશ રાજપરા નામના યુવાન પર જૂના મનદુઃખને લીધે કુલદીપ સહિતના અન્ય ૪ અજાણ્યા ઇસમોએ ફાયરીંગ કરી મુકેશભાઇને ઇજાગ્રસ્ત કર્યા હતાં. ઘાયલ મુકેશભાઇએ હોસ્પિટલના બિછાને થી હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ પોલીસ ફરીયાદ કરેલ હતી.

દરમ્યાન ગઇકાલે પોલીસે પૂર્વ બાતમીને આધારે વિંછીયા તાલુકાના મોટા માત્રા ગામના પાણીના ટાંકા પાસેથી મુખ્ય સુત્રધાર કુલદીપ શીવકુભાઇ ખાચરને ઝડપી લીધા બાદ બીજા આરોપી રણજીતભાઇ ઉર્ફે રણુભા વિસુભાઇ ધાંધલ સાંગુઇ તા. સાયલાને ઝડપી લીધો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ આ ગુનાનો દિલીપ નામના આરોપીની સાયલા પોલીસે ત્યાં ૩૦૭ હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી છે. જેને ટ્રાન્સફરથી અહીં વિંછીયા લવાશે. આમ આરોપી દિલીપ ઉપર વિંછીયા  અને સાયલ એમ બબ્બે પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુના નોંધાયા છે. હજૂ ત્રણ આરોપીઓને વિંછીયા પોલીસે ઝડપવાના છે.પોલીસ આજે મુખ્ય સુત્રધાર કુલદીપ સહિતના બે આરોપીના જસદણ કોર્ટમાં રિમાન્ડ માંગશે. સાથે ફાયરીંગ કર્યુ ને હથિયાર અને ગુનામાં ઉપયોગ કરાયેલી સ્વીફટ સફેદ કાર કબ્જે લેવાશે. અને વધુ પુછપરછ હાથ ધરાશે.

વિંછીયાના પૂર્વ સરપંચ મનુભાઇ રાજપરા અને કોળી સમાજના યુવા પ્રમુખ વિનોદ વાલાણીની આગેવાનીમાં ફાયરીંગ ની ઘટનાના વિરોધ રૂપે આજે સવારે ૧૦ વાગ્યે મહારેલીનું વિંછીયાના જવાહર બાગથી આયોજન થયુ છે. આ રેલીમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ વેપારીઓ અને તાલુકાના પર ગામના લોકો જોડાશે. રેલી વિંછીયામાં ફરી મામલતદાર કચેરી વિંછીયા પોલીસને એમ બંને કચેરીએ આવેદન આપી કડક કાર્યવાહી કરવા માંગ કરશે. (પ-૧૩)

(11:50 am IST)