Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રવિવારે નરેન્દ્રભાઇની અંજારમાં જાહેરસભાઃ મુન્દ્રા સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ

વિજયભાઇ રૂપાણી પણ ઉપસ્થિત રહેશે : વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી

ભુજ તા. ૨૪ : એકબાજુ મુન્દ્રામાં કોંગ્રેસની બે દિવસની કાર્યશાળા પુરી થશે ત્યાં જ બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કચ્છની મુલાકાત લેશે. લાગે છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનો ડંકો અત્યારથી જ વાગવાનો શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ૩૦મી સપ્ટેમ્બરના કચ્છ પ્રવાસની તૈયારીના ભાગરૂપે વહીવટીતંત્ર એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આજે GSPLના એમડી શ્રી નટરાજન, કલેકટર રેમ્યા મોહન અને પૂર્વ કચ્છના ડીએસપી પરીક્ષિતા રાઠોડે આ અંગે અંજાર મધ્યે બેઠક કરીને કાર્યક્રમની ચર્ચાવિચારણા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.ઙ્ગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરી ઘણા સમય બાદ કચ્છ આવે છે ત્યારે સૌને એ ઉત્સુકતા હોય એ સ્વાભાવિક છે કે, મોદી ના કચ્છ પ્રવાસ નો હેતુ શું છે? બિનસત્તાવાર રીતે મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંજાર મા જાહેરસભા ને સંબોધન કરશે. ગોવર્ધન પર્વત ખાતે તેમની જાહેરસભા યોજાશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત સરકારના સાહસઙ્ગ GSPLના મુન્દ્રા મધ્યે બનેલા CNG ટર્મિનલ પ્લાન્ટનું અંજાર માં જાહેરસભા મધ્યે થી રિમોટ કન્ટ્રોલ દ્વારા ઉદ્દઘાટન કરશે. જોકે, ગત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ ગાંધીની જાહેરસભા અંજાર માં યોજાઈ હતી અને હવે ૨૦૧૯ ના લોકસભાના જંગ પૂર્વે નરેન્દ્રભાઇ મોદી ની જાહેરસભા અંજાર મા યોજાઈ રહી છે. કદાચ ફરી એકવાર અંજાર રાજકીય યુદ્ઘ ના કેન્દ્ર સ્થાનમાં રહે તેવું લાગી રહ્યું છે. સતાવાર રીતે હજી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ફાઇનલ કાર્યક્રમ હવે જાહેર થશે. પણ, જે રીતે તંત્ર તૈયારીમાં વ્યસ્ત બન્યું છે એ જોતા વડાપ્રધાન મોદીનો કચ્છ પ્રવાસ ફાઇનલ મનાઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ ની ડિટેઇલ્સ PMO કાર્યાલયમાં મોકલી દેવાઈ છે. જોકે, કાર્યક્રમ કદાચ મુન્દ્રા મધ્ય પણ થાય તેવી એક શકયતા છે.(૨૧.૧૧)

 

(11:29 am IST)