Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સિંહના મોત ઇન્ફાઇટ અને ફેફસામાં સંક્રમણથી થયું છે

કેન્દ્રિય ટીમ દ્વારા દાવો કરવામાં આવ્યો : બાકીના સિંહોની તપાસ માટે વન વિભાગના ચાર કર્મચારી સહિત ૬૪ ટીમ બનાવવામાં આવી : ઉંડી તપાસનો દોર

અમદાવાદ,તા.૨૩ : ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં ૧૧ સિંહોના મોત મામલે આજે જૂનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં એડિશનલ ફોરેસ્ટ સેક્રેટરી ડો.રાજીવ માથુરે જણાવ્યું હતું કે, ઇન્ફેક્શનથી જે સિંહોના મોત થયા છે તે સિંહોનું ઇન્ફાઇટથી જ મોત થયા છે. ઇન્ફાઇટથી સિંહોને ફેફ્સા અને લીવરમાં ઇન્ફેક્શન આવી ગયું હતું. જેને કારણે સિંહોના મોત થયા છે. જો કે, સિંહોના મોત મામલામાં ઇન્ફાઇટ અને ફેફસામાં સંક્રમણનું કેન્દ્રની ટીમના ગાણું ગાયા બાદ પણ હજુ આ સમગ્ર પ્રકરણમાં સાચા કારણને લઇ ભારે અસમંજસભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. સિંહોના મોતના મામલાને લઇ ભારે ઉહાપોહ અને હોબાળા બાદ હવે જંગલ વિસ્તારમાં ૩૦૦ અધિકારી ઉતારવામાં આવ્યા છે અને ૧૬ જેટલી રેન્જ છે. દરેકમાં વન વિભાગના ૪ કર્મચારીઓ સહિત ૬૪ ટીમ બનાવવામાં આવી છે. જેના મારફતે જંગલ વિસ્તારમાં તમામ સિંહને લોકેટ કરી તપાસ ચાલુ  કરી દેવાઇ છે. આ મહિનાના અંત સુધીમાં કેન્દ્રને રિપોર્ટ કરવામાં આવશે. તપાસ દરમિયાન ડોક્ટર સાથે રાખવાની અને કોઇ પ્રાણી નબળુ હશે તો તેને તાત્કાલિક સારવાર આપવાની ખાસ તાકીદ કરાઇ છે. આ સિવાય અન્ય પાંચ રેસ્ક્યુ ટીમ પણ ઓપરેશનમાં સાથે રહેશે. તેમણએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર વિસ્તારમાં અસરકારક પેટ્રોલિંગ થાય જ છે અને પરંતુ આ ઘટના બાદ પેટ્રોલિંગ  હજુ વધુ સઘન અને અસરકારક બનાવાશે. જરૂર પડયે સમગ્ર મામલે કેન્દ્રનું માર્ગદર્શન લેવામા આવશે. આજુબાજુના ગામડાના ઢોર છે તેને રસીકરણ કરવામાં આવશે. સિંહને ઇન્ફેકશન ન લાગે તેના પગલા લેવાનું શરૂ કરાયું છે. સિંહ કંઇ રીતે ગ્રુપમાં રહે છે ક્યાં મુવમેન્ટ કરે છે, કોઇ ઇજા થઇ છે કે નહીં તેની તપાસની કામગીરી ચાલુ કરી દેવાઇ છે. ભારત સરકારની ટીમનું પ્રાથમિક તારણ છે અને તેમના મતે પણ ઇન્ફાઇટ જ કહેવાયું છે. વિસેરા લઇ લીધા છે તેનુ કામ ચાલુ છે. તો કુલ ૯ સિંહોના મોત ઇન્ફાઇટમાં થયા છે અને હજુ બે સિંહોના રિપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ બહાર આવશે. સરકાર મામલાની ગંભીરતા ધ્યાને લઇ સતત ચિંતા કરી કરી રહી છે. કેન્દ્ર સરકારના એક્સપર્ટની પણ મદદ લેવામા આવી રહી છે. સમગ્ર ગીર જંગલમાં સિંહો માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામા આવી રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

(9:14 pm IST)