Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગોંડલમાં બે કલાકમાં ત્રણ, લોધીકામાં અડધો ઈંચ

રાજકોટમાં એક ઈંચઃ અમરેલીમાં ધોધમારઃ ૧૧ તાલુકામાં હળવા-ભારે ઝાપટા સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોરંભાયેલુ વાતાવરણ

તસ્વીરમાં ગોંડલ ખાતે ધોધમાર વરસાદ વરસતા પાણી-પાણી થઈ ગયુ હતુ. ઉમવાડા બ્રીજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનોે સામનો કરવો પડયો હતો (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ ફરી જામતો જાય છે અને કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ હળવો વરસાદ વરસી જાય છે. આજે બપોરે ૧૨ થી ૨ દરમિયાન સૌથી વધુ ગોંડલમાં બે કલાકમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે રાજકોટ શહેરમાં પણ સવારથી મિશ્ર વાતાવરણ છવાયેલુ રહ્યુ હતુ અને ૧૨ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો જે બપોરના ૨ વાગ્યા સુધીમાં ૧ ઈંચ પડયો છે. આ લખાય છે ત્યારે પણ ગોરંભાયેલુ વાતાવરણ યથાવત છે.

રાજકોટ નજીકના લોધીકામાં બે કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ અને રાજુલા, રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી, પડધરી તથા ભાવનગર જિલ્લાના ગારીયાધાર, પાલીતાણા, મહુવા, જામનગર જિલ્લાના જોડીયા, જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માળીયાહાટીના, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે. આવી રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧ તાલુકામાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલઃ શહેરમાં આજે બપોરના વરસાદ શરૂ થયો હતો અને અંદાજીત ત્રણેક ઈંચ વરસાદ ૨ વાગ્યા સુધીમાં વરસી ગયો હતો. આ લખાય છે ત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વરસતા ઉમવાડા અંડરબ્રીજ, ગુંદાળા દરવાજા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ શહેરમાં પણ બપોરના ૨ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આખો દિવસ ઉકળાટ સાથે મિશ્ર વાતાવરણનો માહોલ રહ્યા બાદ બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીમાં રાહત મળી છે.

(2:53 pm IST)