Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

પોરબંદર નગરપાલીકાનો આવતીકાલે ૧૩૫મો સ્થાપના દિન

પ્રજાકીય સુવિધાવાળુ શહેર બનાવવા પાછળ રાજવીની દીર્ઘદ્રષ્ટિ : નવા વિસ્તારો ધરમપુર, ખાપટ બોખીરા ભળી જતા આજે પોરબંદર-છાંયા સંયુકત પાલિકા બની : પાલિકાના સ્થાપના દિને શહેરમા બંધ સીટી બસ પુનઃ ચાલુ કરવા સહિત સુવિધા ઝંખતી પ્રજા

પોરબંદર : પોરબંદર નગરપાલીકાનો કાલે ૧૩૫મો સ્થાપના દિન છે.   નગરપાલીકા (મ્યુનિસીપાલીટી) તા.૨૫ જૂલાઇ ૧૮૮૭ના રોજ અસ્તિત્વમાં આવી અને ૧૩૪ એકસો ચોત્રીસ વર્ષ પુર્ણ કરી અને ૧૩૫ એકસો પાત્રીસમાં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહેલ છે.

સ્થાનિક સ્વરાજયના સોનેરી સુત્રને સાર્થક કરતા પોરબંદર ન.પા.ના પ્રજાકીય વહિવટને ૧૩૪ એકસો ચોત્રીસ વર્ષ પુરા થાય છે અને ૧૩૫ એકસો પાત્રીસમાં વર્ષમાં તા.રપ મી જુલાઇ ૨૦૨૧માં મંગલ પ્રવેશ કરે છે. તેમની વર્ષગાંઠ આજ વિક્રમ સંવત ૨૦૭૭ના રવિવાર અષાઢ સુદ ર બીજ મોળાકાત તથા જયાપાર્વતી વ્રતની ઉજવણી તથા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના હિંડોળા ઉત્સવ સાથે ઉજવાય છે. ગૌરવદિવસ છે. ૧૭ સતર હજારની વસ્તી ધરાવતા સુવિધા વગરનું નાનુ શહેર (કસ્બો) હતુ. આજે પોરબંદર છાંયા સંયુકત ન.પા.નું અસ્તિત્વ આવતા આસપાસ નજીકના ગામો ધરમપુર, ખાપટ, બોખીરાનો સમાવેશ થતા અંદાજે ૨,૫૦,૦૦૦ બે લાખ પચાસ હજારની વસ્તી ધરાવતી પોરબંદર ન.પા.ની અનેક આદર્શ સુવિધા રાજવીને જાય છે.

પોરબંદર ન.પા.ના ઇતિહાસની આરસીમાં દ્રષ્ટિપાત કરીએ તો, જૂના પોરબંદર રાજયના હુકમના ૯ (નવ) તા.રપ-૭-૧૮૮૭થી પોરબંદર મ્યુનિસીપાલીટી અસ્તિત્વમાં આવી રાજય તરફથી ૧૪ (ચૌદ) સભ્યોની નિયુકત કરવામાં આવતી જેમાં પાંચ સભ્યો રાજયના અમલદારો હોદ્દાની રૂએ નિમાતા અને પ્રજામાંથી ૯ (નવ) સભ્યો રાજય તરફથી નિયુકત કરવામાં આવતા રાજયના વહીવટદાર હોદ્દાની રૂએ સુધરાઇ પ્રમુખ બનતા સને ૧૯૧૬માં નવુ બંધારણ અમલમાં આવ્યુ. જેમાં પ્રમુખ તરીકે સરન્યાયાધિશ (વર્તમાન જીલ્લા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ) તથા ઉપપ્રમુખ તરીકે ચીફ એન્જીનીયર તથા રાજયના એકસ ઓફિસરો, પાંચ સભ્યો નિમવામાં આવતા અને પ્રજાના ૧૪ (ચૌદ) સભ્યો રાજય તરફથી નિયુકત કરવામાં આવતા એ રીતે કુલ ૨૧ (એકવીસ) સભ્યોનું બોર્ડ હતુ.

પોરબંદર રાજયના હુકમ નં. ૫૪૦ તા.૭-૫-૧૯૩૦ થી નગરપાલીકાનું બોર્ડ ૨૦ વીસ સભ્યોનું બન્યુ જેમાં ૧૨ (બાર) પ્રજાએ ચુંટેલા પ (પાંચ) રાજય નિયુકત અને આ ૧૭ સભ્યોએ કો.ઓ. કરેલ ૩ સભ્યો હતા. સૌરાષ્ટ્ર સરકારના સ્થાનિક સ્વરાજય વિભાગના ઠરાવના એલએસજી ૧૦૯ તા.૩૦-૬-૪૯ થી બોર્ડની સભ્ય સંખ્યા રપ નકકી કરવામાં આવી જેમાં સામાન્ય બેઠક રર તથા સ્ત્રી અનામત-ર (બે) અને હરિજન અનામત ૧ (એક) નિયત કરવામાં આવી.

ગુજરાત સરકારશ્રીના પંચાયત અને આરોગ્ય ખાતાના ઠરાવના આરઓએ ૨૧૬૬ ૬૭૦ પી તા.૬-૩-૬૭ થી બોર્ડની સભ્ય સંખ્યા ૩૫ થઇ જેમાં ૩૦ બેઠક સામાન્ય ૩ સ્ત્રી અનામત, ર અનુ.જાતિ માટે અનામત રાખવામાં આવી છે. જૂના વખતની મિટીંગોની મિનીટસ બુકો જોતા ફલીત થાય છે કે, પોરબંદર શહેર સુધરાઇનું સને ૧૮૮૭-૮૮ વર્ષનું બજેટ રૂ.૮૮૭૦ નું રૂ.૯૨ની પુરાંત દર્શાવતુ જનરલ બોર્ડ ઠરાવના ૧૩૭ તા.૨૦-૮-૧૮૮૭ થી મંજુર કરેલ છે. સને ૧૯૮૭-૮૮ના વર્ષનું બજેટ રૂ. ૩ કરોડનું તે સમયે મુખ્ય આવકનું સાધન ધી ની જકાત રૂ.૩૫૦૦ અને ઘરવેરો રૂ.૪૫૫૦ને સિવાયની દંડની ઉપજ અને જમીન રોકવાની ફીની સામાન્ય ઉપજ હતી તે સમયનું એસ્ટાબ્લીશમેન્ટ સેક્રેટરી, ૩ કલાર્ક, ર સિપાહી, ૩ જકાત કલાર્ક, સેનીટેશન ખાતામાં ૧ ઇન્સ્પેકટર, ૩૧ સફાઇ કામદારો હતા. કસબામાં ફાનસોની રોશની કરવામાં આવતી કલાર્કનો પગાર માસિક રૂ.૨૦ સફાઇ કામદારનો પગાર માસિક રૂ.૬ હતો.

સને ૧૯૩૦ થી શહેરના ૧૨ વિભાગ (વોર્ડ)ની રચના કરવામાં આવી તેમાં ૧૨ સભ્યો ચુટવામાં આવતા તે માટે મતધિકાર કુટુંબના વડાને આપવામાં આવે. આ રીતે ચુંટાયેલ મ્યુનિસિપાલીટીના પ્રથમ પ્રમુખ રાજરત્ન શેઠ મંચેરશા હિરજીભાઇ વાડીઆ (એમ.એચ.વાડીયા) હતા. તેઓશ્રી પારસી સદગૃહસ્થ પોરબંદરના પ્રથમ નાગરીક હતા. તેઓશ્રી સને ૧૯૩૧ થી સતત ૧૫ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહ્યા. તેઓશ્રીના સમયમાં પોરબંદર શહેરને નવો ઓપ આપવામાં આવ્યો. વાડીપ્લોટ શાકમાર્કેટ, કડીયાપ્લોટ,  સફાઇ કામદારોને રહેવા માટે ૫૦ કલાર્ટસ બાંધવામાં આવ્યા તે સિવાય શહેરનું પ્લાનીંગ અને વિકાસ નવા રહેણાંક વિસ્તારો બાગ બગીચા ચોક, રસ્તાઓ વગેરેનું આયોજન હાથ ધરવામાં આવ્યુ. પોરબંદર શહેરની સુંદર કલાત્મક બાંધણીનો યશ ભુતપુર્વ રાજવી સ્વ.મહારાણા નટવરસિંહજીને ફાળે જાય છે. મ્યુુનિસીપાલીટીના સુત્રધાર સ્વ.શ્રી. એમ.એચ.વાડીયા અને તેઓશ્રીના સાથી સભ્યોનો પોરબંદર વિકાસમાં ઘણો મોટો ફાળો છે. પોરબંદર શહેરને પાણી પુરૂ પાડવા માટે ૧૭ સતર માઇલ દૂર બરડા ડુંગરમાં આવેલ ખંભાળા તળાવની પાણી પુરવઠા યોજના ભુગર્ભ ગટર માટે મ્યુનિસીપાલીટીની ઘણી મીટીંગોમાં ખૂબ ચર્ચા વિચારણા કરીને તેમજ ખુદ સ્વ. મહારાણા  નટવરસિંહજી જેઠવા રજૂઆતો કરીને પોરબંદર વોટર સપ્લાઇ પ્રોજેકટ માટે રૂ.રપ લાખની લોન ઉભી કરાવેલી. જેનુ ભરણુ શહેરના શ્રીમંતોને કરી આપેલ. મ્યુનિસીપાલીટીએ રૂ.૩ લાખ આ લોનમાં રોકેલા.

દેશી રાજયના વિલીનીકરણ થયા બાદ ઓકટોબર ૧૯૪૯ થી સૌરાષ્ટ્ર સરકારના સમયમાં મ્યુનિસીપાલીટી સંપુર્ણ પ્રજાકીય સંસ્થા બની સને ૧૯૪૯ થી સુધી ૮ વર્ષ સુધરાઇનું પ્રમુખપદ માજી ન્યાયધીશ એડવોકેટ સ્વ. પી.ડી.કકકડ (શ્રી પોપટલાલ ડાયાભાઇ કકકડે) શોભાવ્યુ. ત્યારબાદ ડો.બી.ડી.ઝાલા સાહેબે દસ વર્ષ સુધી પ્રમુખપદે રહી અનેરૂ લોકઉપયોગી કાર્યોથી પોરબંદર નગરપાલીકાને સુપ્રતિષ્ઠિત કરી.

તા.૧-૬-૧૯૫૦ થી ન.પા.એ સીટી બસ સર્વિસની સેવા શરૂ કરી ત્યારે ૪ ટાટા મર્સીડીઝ બસ રૂપિયા દોઢ લાખના ખર્ચે ખરીદ કરવામાં આવેલ હતી. ઉતરોઉતર જરૂર મુજબ વસાવવામાં જનતાને ખાસ સવલત આપી. બાલમંદિર તથા કોલેજમાં વિદ્યાર્થીઓને રાહતદરની પ્રથા કરી. ખાસ ઉલ્લેખનીય છે કે, ન.પા.એ બસ સેવા સને ૧૯૫૦ થી શરૂ કરીને પહેલા સને ૧૯૪૦ થી ખાનગી બસ સેવા પોરબંદર છાયા પોરબંદર વચ્ચે ચાલુ હતી પરંતુ તે મર્યાદીત હતી. નટવરચોક ૬૦ વર્ષ જૂની છાપરાવાળી શાકમાર્કેટ હતી તેના સ્થાને અદ્યતન સગવડ ધરાવતી વેજીટેબલ એન્ડ ગ્રેઇન માર્કેટ રૂ.૨,૨૨,૦૦૦ બે લાખ બાવીસ હજારના ખર્ચે બાંધવામાં આવી.

જાહેર સ્ટ્રીટ લાઇટ યાને દિવાબત્તી વિભાગમાં લેમ્પના સ્થાને ટયુબ લાઇટો તથા મરકયુરી લાઇટો મુકેલ. શહેરની મધ્યમાં રૂપાળીબા બાગ સ્ત્રીઓ માટે વિકસાવવામાં આવ્યો. બાલક્રિડાંગણ બનાવવામાં આવ્યા. (જેમાના મોટા ભાગના અદ્રશ્ય છે) આ જગ્યા સરકાર પાસે થી પ્રાપ્ત કરી કમલા નહેરૂ રવિન્દ્ર રંગમંચ ઓપન એર થિયેટર નિર્માણ કરેલ. જૂદા જૂુદા વિસ્તારોમાં બાલમંદિર કરવામાં આવેલ તેમજ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ (હાલ જી.પં. હસ્તક) પ્રાથમિક શાળા, લો કોલેજ સ્થાપવામાં આવી હતી. એશિયાભરમાં પંકાયેલા દુલિપ ક્રિકેટ સ્કુલ જે સને ૧૯૪૭માં પોરબંદરના ક્રિકેટ પ્રેમી રાજવીએ તેના સાનિધ્યમાં પોરબંદરની ક્રિકેટ પ્રેમી જનતા માટે ન.પા.એ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડીયમ વિકેટ સ્પોર્ટ ગેસ્ટહાઉસની સુવિધા સાથે તૈયાર કરેલ છે. જો કે આ સ્કુલ સને ૧૯૪૭ પહેલા જ સ્વર્ગસ્થ રાજવીએ બંધાવેલ.

દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ફ્રેન્ડલી મેચો, હર્મા ટ્રોફી વગેરે જે તે સમયે રમાતા ઉપરાંત રણજી ટ્રોફી મેચ પણ રમાયેલ છે. તેની વિગતો તા.૭-૧૦-૧૯૬૦ થી ૯-૧૦-૧૯૬૦ સૌરાષ્ટ્ર વિ. બોમ્બે, તા.૨૨-૧-૧૯૭૨ થી ૨૪-૧-૧૯૭૨ સૌરાષ્ટ્ર વિ.બોમ્બે, તા.૨૧-૯-૧૯૭૪ થી તા.૨૩-૯-૧૯૭૪ સૌરાષ્ટ્ર વિ.બોમ્બે, તા.૧૧-૧૦-૧૯૭૫ થી તા.૧૩-૧૦-૧૯૭૫ સૌરાષ્ટ્ર વિ.બરોડા, તા.૨૩-૧-૧૯૮૪ થી તા.૨૫-૧-૧૯૮૪ સૌરાષ્ટ્ર વિ.બરોડા, તા.૧૫-૧૧-૧૯૮૬ થી તા.૧૭-૧૧-૧૯૮૬ સૌરાષ્ટ્ર વિ.બોમ્બે.

શહેરીજનોના પ્રાણપ્રશ્ન સમી ભુગર્ભગટર યોજના તૈયાર કરવા માટે નાગપુર ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટના અનુભવી બાહોશ એન્જીનીયર વી.સી.કોઠારીની  સરકારશ્રીની ભલામણથી ખાસ નિમણુક કરી આયોજન તૈયાર કરાવી અમલીકરણ માટે સૌરાષ્ટ્ર સરકારને સુપ્રત કરી. નવેમ્બર તા.૧-૧૧-૧૯૫૬ થી સૌરાષ્ટ્ર રાજયનું દ્વિભાષી મુંબઇ રાજયમાં વિલીનીકરણ થતા આ યોજના સુપર્યત પડી રહી ગુજરાત રાજયની રાહબરી હેઠળ ન.પા.ના તત્કાલીન પ્રમુખ સ્વ.ડો.બી.ડી.ઝાલાની રાહબરી હેઠળ ન.પા.નું પ્રતિનિધિમંડળ અમદાવાદ ગયેલ. માનનીય મંત્રી  માણેકલાલભાઇ શાહ અને અધિકારી સમક્ષ રજૂઆત કરી યોજના મુર્ત સ્વરૂપ આપવામાં સફળ થયા. રૂ.૧ કરોડનું આ કામ થઇ ગયુ છે. જયારે હાલ ત્રીજી વાર નિષ્ફળતાના આરે છે તેવુ ચર્ચીત છે.

સંકલન

હેમેન્દ્રકુમાર પારેખ

સ્મિત પારેખ, પોરબંદર

(1:07 pm IST)