Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગોંડલના ગુંદાળા રોડે બાયોડિઝલ પમ્પ તેમજ આશાપુરા ચોકડીએ હરતા-ફરતા વાહનમાં બાયોડિઝલ મોબાઈલ પંપ ઝડપાયા

ગોંડલ, તા.૨૪: બાયોડીઝલના વેચાણનું હબ ગણાતા ગોંડલમાં ફુલીફાલી રહેલાં કાળા કારોબાર પર રાજય સરકાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સ્થાનિક પોલીસ દ્વારા દરોડા શરૂ કરવામાં આવ્યા હોય ગુંદાળા રોડ ઉપર બાયોડીઝલ પંપ તેમજ આશાપુરા ચોકડીએ હરતા ફરતા મોબાઈલ પમ્પને પકડી પાડી ત્રણ શખ્સો વિરુદ્ઘ કાર્યવાહી હાથ ધરી હતી.દરોડા નો દૌર આક્રમક પણે ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું હતું.

વિગતો મુજબ ગોંડલ સીટી પોલીસે બાતમીના આધારે ગુંદાળા રોડ ઉપર આવેલ યમુના કોમ્પ્લેકસની સામેના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડીઝલના પંપ ઉપર દરોડો પાડી ૩૦૦૦ લીટરની ક્ષમતાવાળા ૬ લોખંડના ટાંકા ઝડપી તેમાં રહેલા આશરે ૭૮૦૦ લીટર બાયોડીઝલ કિંમત રૂપિયા ૭,૫૦,૦૦૦ સાથે પંકજ હસમુખભાઈ રાયપુરા (રહે ગાયત્રી નગર શેરી નંબર એક) તેમજ ધવલ સવજીભાઈ ગમારા (રહે ગાયત્રીનગર શેરી નંબર ૩) વાળાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. સીટી પોલીસે બીજો દરોડો આશાપુરા ચોકડીએ પાડ્યો હતો જેમાં ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલનો જથ્થો રાખી ફોર્સ ટ્રાવેલ્સ ની ગાડી રજીસ્ટર નંબર જીજે ૨૩ વી ૬૦૧૯ મા પ્લાસ્ટિક ની ટાંકી તથા ફ્યુલ પમ્પ ઉભો કરી જરૂરિયાતવાળા લોકોને ડોર ટુ ડોર ડીલેવરી પૂરી પાડવામાં આવતી હોય બાયો ડિઝલનો જથ્થો આશરે ૬૦૦૦ લીટર મળી કુલ રૂપિયા ૬,૧૬,૦૦૦ નો મુદ્દામાલ ઝડપી લઇ આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધર્મેશ પ્રતાપસિંહ નકુમ (રહે ગુણાતીત નગર ગોંડલ) વાળા ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉપરોકત દરોડા સિટી પી.આઈ એસ એમ જાડેજા, હેડ કોસ્ટેબલ પુનિતભાઈ અગ્રાવત, હાર્દિકભાઈ કેરાળિયા, જયદીપસિંહ ચૌહાણ, કુલદીપસિંહ રાઠોડ, વિશાલભાઈ ગઢાદરા, દિવ્યરાજસિંહ જાડેજા, જયસુખભાઇ ગામભરડીયા સહિતનાઓ જોડાયા હતા.

ટોળીયાની ધરપકડ

બાયોડીઝલ ના વેપલા નું હબ ગણાતા ગોંડલ શહેર પંથકમાં રાજય સરકાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરોડા ની સુચના બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હોય ચાર દિવસ પહેલા જામવાડી જીઆઇડીસીમાં બાયોડીઝલ ના ૪૧૦૦ લીટલ જથ્થા સાથે પકડાયેલા આરોપી ભાવેશ હદવાણી બાયોડિઝલનો જથ્થો શ્રી રામ પેટ્રોલ પંપ વાળા જામવાળી ના આગેવાન પ્રફુલભાઈ ઉર્ફે (બાઉભાઈ) ટોળીયા પાસેથી ખરીદ્યો હોવાનું પોલીસને જણાવતા સીટી પીઆઇ જાડેજા પીએસઆઇ ઝાલાએ આગેવાન પ્રફુલભાઈ ટોળીયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

(11:28 am IST)