Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

વીરપુરમાં પૂ.જલારામબાપા મંદિરનો મુખ્ય દ્વાર સવા વર્ષે ખુલ્યો

કોરોના મહામારીના કારણે ભાવિકોને અન્ય દ્વારમાંથી પ્રવેશ અપાતો : ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે ભાવિકો માટે દરવાજા ખુલ્યા

(કિશન મોરબીયા દ્વારા)વીરપુર (જલારામ),તા. ૨૪ : કોરોનામાં સવા વર્ષથી વિરપુરમાં પૂજય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર બંધ હતો, આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે શ્રદ્ઘાળુઓ માટે ખુલ્લો મુકાયો હતો.

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પણ અનેકવાર જલારામબાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી

કોરોના મહામારીને લઈને ૨૧ માર્ચ ૨૦૨૦થી સમગ્ર ભારતભરના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ઘ યાત્રાધામ વિરપુરમાં પૂજય જલારામબાપાની જગ્યા પણ દર્શનાર્થીઓ માટે ૨૧ માર્ચ ૨૦૨૦થી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પણ અનેકવાર જલારામબાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી. બીજી લહેર બાદ શ્રદ્ઘાળુઓ માટે પૂજય જલારામબાપાની જગ્યા દર્શન માટે ખોલવામાં આવી હતી. પરંતુ દર્શનાર્થીઓ માટે મુખ્ય દરવાજો સવા વર્ષથી બંધ હતો. આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે ભાવિકો માટે મુખ્ય દ્વાર ખુલતા જ સૌ કોઇ ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે.

પહેલા જગ્યાની બાજુના દરવાજેથી દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે આશરે સવા વર્ષ બાદ પૂજય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પૂજય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર ખુલ્લો મુકાતા દેશ-વિદેશમાંથી આવતા ભકતો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.

અમદાવાદથી દર્શન કરવા આવેલા શ્રદ્ઘાળુ ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે જલારામબાપાના મુખ્ય દ્વાર ખુલતા ખૂબ જ ધન્યતા અનુભવું છું. લગભગ બે વર્ષથી મારી માનતા હતી તે પુરી થતી નહોતી. પરંતુ કહેવાય છે કે બાપાનો હુકમ હોય તો જ તમારો સંકલ્પ પુરો થાય છે. આજે બાપાના દર્શન કરીને ખરેખર મારી જાતને ધન્ય માનુ છું. આખા વિશ્વને કોરોનામાંથી જલારામબાપા ઉગારે તેવી પ્રાર્થના કરી છે.

જલારામ મંદિરમાં સેવા કરતા રમેશભાઇ ગઢીયાએ જણાવ્યું હતું કે, ૨૧ માર્ચ ૨૦૨૦થી જલારામ બાપાના મંદિરનો મુખ્ય દ્વાર બંધ હતો. આજે ૧૬ મહિના પછી દર્શનાર્થીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યો છે. દર્શાનાર્થીઓને વિનંતી કરીએ છીએ કે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક ફરજીયાત પહેરવું અને સરકારની ગાઇડલાઈન પ્રમાણે રજિસ્ટ્રેશન કરી ટોકન મેળવી અને દર્શન કરવા આવવું. 

(11:27 am IST)