Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

વિરપુર સરકારી હોસ્પિટલ પાછળ ગંદકીના ગંજ

વિરપુરને સરકારી યાત્રધામ જાહેર કર્યુ છે છતાં સફાઇ માટે આયોજનનો અભાવ!! : હોસ્પિટલે સારવાર માટે : આવનાર વધુ બીમાર પડે છે : વિરપુરના જાહેર માર્ગો પર કયાંય ડસ્ટબીન કચરા પેટી મુકી નથીઃગૌમાતા કચરો ખાય છે

વીરપુર, તા. ર૪ : સુપ્રસિદ્ઘ યાત્રાધામ વીરપુર પૂજય જલારામ બાપાના નામેં દેશ-વિદેશમાં સુવિખ્યાત છે, દેશ વિદેશથી રોજ હજારો લાખો યાત્રાળુઓ વીરપુર પૂજય બાપાના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે વીરપુર ગામની શહેરી વિસ્તારોમાં જાણે ગંદકીનું સામ્રાજય હોય તેમ જયાંત્યાં ગંદકીના ગંજ જોવા મળે છે.ત્યારે વીરપુર ખાતે આવેલ સરકારી પાછળના ભાગમાં તો જાણે માનનીય વડાપ્રધાને શરૂ કરેલ સ્વચ્છતા અભિયાનના લિરેલીરા ઉડી ગયા હોય તેમ કચરો, કાદવ કીચડે સામ્રાજય જમાવ્યું છે.

ચોમાસામાં થોડાએવા વરસાદમાં જ વીરપુર સરકારી હોસ્પિટલના પાછળના વિસ્તારમાં જ ગંદકી ગંજ જામ્યા છે ત્યારે વીરપુર તેમજ વીરપુરના આજુબાજુના નજીકના ગામડાઓ જેવાકે, કાગવડ, થોરાળા, પીઠડીયા, જેપુર, નવાગામ, મસીતાળા, લીલખા વગેરે ગામના લોકો પણ વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે તો આ સારવાર અર્થે આવેલા લોકોના આરોગ્ય પણ આ ગંદકીના લીધે જોખમાય છે.

તો બીજી તરફ એજ વિસ્તારમાં પોસ્ટઓફીસ પણ બાજુમાં આવેલ હોય તે પોસ્ટઓફિસની બાજુમાં જે ગટરો આવેલ છે તેની સફાઈ પણ કરવામાં આવતી નથી તે ગટરોના ગંદા પાણી પણ સરકારી હોસ્પિટલના પાછળના વિસ્તારમાં વહે છે તેમને લઈને લોકોના આરોગ્ય જોખમાય છે, જયારે યાત્રાધામ વીરપુરને સરકારી તંત્રએ પ્રવાસન સ્થળ તરીકે પણ જાહેર કર્યું છે છતાં વીરપુરના જાહેર માર્ગોમાં કયાંય એક પણ કચરા પેટીઓ કે ડસ્ટબીન નથી ત્યારે વીરપુરના લોકો સાથે સાથે વીરપુરમાં આવતા યાત્રાળુઓના પણ આરોગ્ય જોખમાય છે. જાહેર માર્ગો કે શહેરી વિસ્તારોમાં કચરાપેટીઓ કે ડસ્ટબીન ન કચરા જયાં ત્યાં માર્ગો પર ફેલાતો હોવાથી હિન્દુધર્મમાં માતા ગણાતી ગાય માતાઓ પણ આ કચરાને ખાય છે અને તેમના પેટમાં પણ પ્લાસ્ટિક જેવા અનેક કચરાઓ ભરાય છે અને મોતને ભેટે છેઙ્ગ જેમને લઈને ગૌભકતોમાં પણ રોષ ફેલાયો છે તો બીજી તરફ લોકોના અને યાત્રાળુઓના આરોગ્ય જોખમાય તે પહેલા સરકારી હોસ્પિટલ પાછળ તેમજ પોસ્ટઓફિસ વિસ્તારમાં ખડકાયેલ ગંદકીના ગંજ વહેલી તકે સાફ સફાઈ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.(૯.૭)

ટીડીઓ નંદા ગંદકી પ્રશ્ને અજાણ !!

આ અંગે જેતપુર તાલુકા વિકાસ અધિકારી (TDO) કે.વી.નંદાને પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે આ અંગે પોતાને કોઈ જાણ નથી !આટલી બધી ગંદકી હશે તો વીરપુર ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીને તેમજ સરપંચને આ બાબતે સૂચના આપી તે કચરો ત્યાંથી સાફ કરી ઉભરાયેલ ગટરો પણ સાફ સફાઈ કરાવશું.

(1:18 pm IST)