Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મહેન્દ્રનગરના અનોપસિંહ ઝાલાને નોકરી અપાવવાના બહાને ઢુવા પાસે લઇ જઇ ઢિમ ઢાળી દીધું'તું

પત્નિની સતામણી કરનાર અનોપસિંહને પતાવી દેવા પિન્ટુએ કાવત્રું ઘડયું'તું: પકડાયેલ પિન્ટુ અને રાકેશ યાદવને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો સાથે મોરબી એલસીબીનો કાફલો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી તા. ર૪: વાંકાનેરના ઢુવા નજીક મોરબીના મહેન્દ્રનગરના અનોપસિંહ ઝાલાની હત્યામાં પકડાયેલ બન્ને શખ્સોને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાવનાર છે. પત્નિની સતામણી કરનાર અનોપસિંહ ઝાલાને પતાવી દેવા પિન્ટુએ પૂર્વયોજીત કાવત્રુ રચી મૃતક અનોપસિંહને નોકરી અપાવવાના બહાને ઢુવા પાસે લઇ જઇ ઢિમઢાળી દીધાનું ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઢુવા નજીક અનોપસિંહ બહાદુરસિંહ ઝાલા રહે. મહેન્દ્રનગર મોરબીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળ્યા કબાદ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ તથા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી. બી. જાડેજાની હત્યાની તપાસ ચલાવી હતી અને એલસીબી ટીમના રવિરાજસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, નીરવભાઇ મકવાણા, આશીફભાઇ ચાણકયા સહિતે લખધીરપુર રોડ પરના ઓપવેલ સિરામિકમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા પીન્ટુ ગંગાપાલ પાલ રહે મૂળ મધ્યપ્રદેશ અને રાકેશ રમેશ યાદવ રહે મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધા છે અને આરોપી પાસેથી બે મોબાઇલ ફોન કબજે લીધા છે.

મૃતક યુવાન અનોપસિંહ ઓપવેલ સિરામિકમાં મજુરી કરતો હોય જયાં આરોપી પીન્ટુ ગંગાપાલ પાલ સુપરવાઇઝર તરીકે હોય અને આરોપીની પત્નીની અવારનવાર સતામણી કરતા હોય જેથી પિન્ટુ પાલે રાકેશ યાદવ સાથે મળી અનોપસિંહ ઝાલાને પતાવી દેવા માટે પૂર્વયોજીત કાવત્રુ રચી અનોપસિંહ નવા કારખાનામાં નોકરી અપાવવાના બહાને ઢુવા નજીક બોલાવી ગળુ દબાવી બોથડ પદાર્થથી મારમારી હત્યા કરી બાદમાં લાશને ખરાવાની જમીનમાં ફેંકી લાશ પર ધૂળ નાંખી દીધી હતી. પકડાયેલ બન્નેને રીમાન્ડ અર્થે આજે કોર્ટમાં રજુ કરાશે વધુ તપાસ વાંકાનેર તાલુકાના પી.એસ.આઇ. પરમાર ચલાવી રહ્યા છે.

(11:41 am IST)