Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કચ્છમાં વન વિભાગ દ્વારા ૧૨૯૦ હેકટરમાં ઘાસચારા વાવેતર કરાશે

જિલ્લા કલેકટર દ્વારા કચ્છને ઘાસચારા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવાની પહેલમાં સ્વેૈચ્છિક સંસ્થાઓ ઔદ્યોગીક એકમો સરપંચો થશે સહભાગી

ભુજ તા.૨૪ : કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો જિલ્લો હોવા સાથે અંદાજે ૨૦ લાખ જેટલું પશુધન ધરાવે છે. અવાર-નવાર દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતાં કચ્છને ઘાસચારા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા સહિયારા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે, ત્યારે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને જાતે આ મામલે આગવી પહેલ કરીને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે  બેઠક યોજીને તમામ પ્રાંત અધિકારીઓને દરેક તાલુકામાં પાંચ ગામવાર એક કલસ્ટર બનાવી એક-એક એનજીઓને ઘાસચારા વાવેતર માટે બે-બે કલસ્ટર ફાળવવા પણ જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા નિર્દેશો અપાયાં છે.

     આ ઉપરાંત સરપંચ અને ગામ લોકોનો સહયોગ લઇ વેસ્ટ વોટર દ્વારા મોટા પાયે ઘાસચારા વાવેતરની યોજનાનું આયોજન કરાયું છે. ફોરેસ્ટની જમીનમાં પણ ઘાસચારાનું વાવેતર કરવા માટે વન વિભાગ સાથે સંકલન સાધી કાર્યવાહી કરવા વહીવટીતંત્ર દ્વારા નિર્દેશો આપી દેવામાં આવ્યાં છે.

     જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના સીધા માર્ગદર્શન હેઠળ આ યોજનામાં વન વિભાગને પણ તંત્ર દ્વારા સામેલ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં કચ્છને ઘાસચારા માટે અન્ય જિલ્લાઓ ઉપર નિર્ભર ન રહેવું પડે તે માટેની કવાયત હાથ ધરાઇ છે. ચાલુ વર્ષે પૂર્વ વન વિભાગ દ્વારા ૫૬૦ હેકટરમાં તેમજ પશ્યિમ વન વિભાગ દ્વારા ૭૩૦ હેકટરમાં ઘાસચારા વાવેતર આયોજન કરાઇ ચૂકયું છે.

     ઉપરાંતમાં દરેક ગામોની પશુ વસ્તીનું ફોર્મ અદ્યતન કરાવી જરૂરિયાત મુજબની ગૌચર જમીન નીમ કરવા સંયુકત ઝુંબેશરૂપે ડીઆઇએલઆર તથા એસએલઆરને સાથે રાખી દરેક પ્રાંત અધિકારીઓને હાલમાં ચાલી રહેલી રી-સર્વેની કામગીરીની સાથે-સાથે આ કાર્ય પૂર્ણ કરવા નિર્દેશો આપી દેવામાં આવ્યાં છે.

વધુમાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને અધ્યક્ષપદે ૨૦મી જુલાઇએ મળેલી  અછત રાહત સમિતિની બેઠકમાં ગૌચર સંરક્ષણ અને ઘાસચારા સ્વાયતતા માટે પ્રગતિની સમીક્ષા કરાતાં દરેક પ્રાંત અધિકારીઓને તેમના તાલુકાઓમાં  કરાયેલ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં અબડાસા પ્રાંત દ્વારા ચીયાસર, રવા, નુંધાતડ,મોટીબેર, નલીયા અને કનકપર ગામોએ ૩૬૦ હેકટરમાં ઘાસચારા વાવેતરનું આયોજન પ્રસ્તુત કરાયું હતું.

ભુજ પ્રાંત  દ્વારા ભુજ તાલુકાના કુનરિયા, પધ્ધર, વાંઢાય, કાળી તળાવડી, સરલી, આણંદસર અને ગજોડ ગામમાં ઉપલબ્ધ જમીનમાં ગૌચર વિકાસ માટે આયોજન રજૂ કરાયું હતું. મુંદરા પ્રાંત દ્વારા ફાચરિયા અને લફરામાં ૧૨ એકરમાં, સિરાચામાં ૮ એકરમાં, નાનીખાખરમાં ૧૦ એકર, બિદડા અને આંસબિયા(મોટા)માં ૮૦ એકરમાં જયારે અંજાર પ્રાંત દ્વારા વીરા, અજાપર, સઘડ તથા ખેડોઇ ગામમાં બે-બે હેકટરમાં ઘાસચારાનું વાવેતરનું આયોજન દ્યડાઇ ગયું છે. જયારે ભચાઉ પ્રાંત દ્વારા કકરવા તેમજ નખત્રાણા પ્રાંત દ્વારા લખપત અને નખત્રાણા તાલુકામાં સાંગનારા, નાગલપર,મોટા અને નાના અંગિયા,જીંદાય, દેવસર, મંજલ, વિગોડી, ઉગેડી, રામપર સરવા, કોટડા(રોહા) તો લખપતના દ્યડુલી, ધારેશી, લાખાપર, વિરાણી નાની ફુલરા,સિયોત ગામોમાં ઘાસચારા વાવેતરનું મોટાં પાયે આયોજન કરાયું છે.

ઘાસચારા સ્વાયતતા અને ગૌચર સંવર્ધન ક્ષેત્રે કાર્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોને જોડવા જિલ્લા વહીવટીતંત્ર તાજેતરમાં એક બેઠકનું પણ આયોજન કરાયું હતું જેમાં કે.એફ.એફ.એફ.એ.ટી.ના જયેશભાઈ લાલકા, વર્ધમાન પરિવારના જીતુભાઈ શાહ, સહજીવન સંસ્થાના રમેશભાઈ ભટ્ટી, મનોજભાઈ સોલંકી, કાઝરીના ડો. સીતારામ જાટ, અદાણી ફાઉન્ડેશનના માવજીભાઈ બારૈયા, સીજીપીએલ મુંદરાના આસીફખાન પઠાણ, ગાઇડ સંસ્થાના ડો. વિજયકુમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેવેશભાઈ ગઢવીએ હાલમાં કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા દ્યાસના વાવેતર માટે સૌપ્રથમ હાઇડ્રોફોનીક પધ્ધતિ સાથે રોટેશનલ ગ્રેઝીંગ તથા હાર્વેસ્ટીંગ પધ્ધતિથી કચ્છમાં ઘાસનું ઉત્પાદન ખાસી માત્રામાં વધારી શકાય તેમ હોવાનું જણાવી શ્નહરીયાલોઙ્ખગૌચર રિસ્ટોરેશન પ્રોજકટ બોમ્બે ગૌ રક્ષક ટ્રસ્ટની મદદથી કનકપરમાં ૪૦ એકરમાં ઘાસનું વાવેતર કરી ફોડર પ્લોટ તૈયાર કરવામાં આવ્યાંનું ઉમેર્યું હતું.

વીઆરટીઆઇ દ્વારા પણ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી ઘાસચારા વાવેતરનું આયોજન અંતર્ગત ૧૩ ગામોમાં દ્યાસચારા બેંક, ૮ ગામોમાં કેટલફીડ સેન્ટર સહિતની વિગતો અપાઇ હતી.

     ગાઇડના ડો. વિજયકુમાર દ્વારા પણ સૂચનો કરવામાં આવ્યાં હતા. મનોજભાઈ સોલંકીએ કચ્છની ૧.૨૦ લાખ હેકટર જેટલી ગૌચર જમીન નીમ થયેલ હોવાનું જણાવી કચ્છમાં પશુધન માટે દૈનિક ૬૦ લાખ કીલો ઘાસની જરૂરિયાત સામે ૩૦ લાખ ઘાસ લીલાચારા મારફતે, બાકીના ૩૦ લાખ સૂકાચારારૂપે જેમાંથી ઘેટા-બકરાનાં ભેલાણમાંથી મળતો સૂકો ચારો બાદ કરતા દૈનિક ૯ લાખ કીલો સુકા ચારાની જરૂરિયાત સહિતની વિસ્તૃત જાણકારી આપી સૂચનો કર્યાં હતા.

     શ્રી માવજીભાઈ બારૈયાએ અદાણી ફાઉન્ડેશન દ્વારા દરાડવાંઢમાં ૩૧ હેકટરના પ્લોટ પર જળસુરક્ષા સાથે અનુકુળ મોડેલ બનાવવામાં આવ્યાંની વિગતો આપી ઘાસચારા વાવેતર ક્ષેત્રે કામગીરીના અનુભવો વર્ણવ્યાં હતા.

     અભિયાન સંસ્થાના જયેશભાઈ લાલકા દ્વારા માંડવી તાલુકાના નાનીખાખર ગામે ટાટા કંપનીના સહયોગથી દ્યાસચારા વાવેતરની વિગતો અપાઇ હતી. આ ઉપરાંત બિયારણ વિતરણની વિગતો આપી હતી.

         સહજીવન સંસ્થાના રમેશભાઈ ભટ્ટીએ પણ દુષ્કાળ પડે પણ નડે નહીં આધારિત ગામમાં ઉત્પાદન કરેલ ઘાસને ગામમાં જ રાખવામાં આવતું હતું તેમ જણાવી દુષ્કાળ પડે ત્યારે ૬૦ ટકા દ્યાસની જરૂરિયાત પૂરી કરી શકાતી હોવાનું જણાવ્યું હતું.

(11:25 am IST)