Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે રીવરફ્રન્ટના નિર્માણની દિશામાં ઝડપભેર આગળ વધતા ધારાસભ્ય મેરજા.

વિવિધ આકર્ષણો ઉભા કરી શહેરીજનોને હરવા ફરવાનું અનોખું નઝરાણું અપાશે

મોરબી : મોરબી શહેરના સહેલાણીઓ માટે મચ્છુ નદીના કાંઠે રીવરફ્રન્ટની સુવિધાઓ મળે તે માટે નગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી આ પ્રોજેકટ અંગે પ્રક્રિયા ચાલતી હતી તે અન્વયે મોરબી -માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઝડપભેર કાર્યવાહી આરંભી છે.
તેઓએ આ યોજના સત્વરે સાકારિત થાય તે માટે ગુજરાત શહેરી વિકાસ મિશનમાં ફોલોઅપ કરી મચ્છુ નદી ઉપર મહાપ્રભુજીની બેઠક પાસે સ્વતંત્ર પર્વની ગ્રાન્ટમાંથી રૂ. ૧ કરોડ ૮૦ લાખના ખર્ચે તેમજ જૂના પાવર હાઉસ એટલે કે પી.જી.વી.સી.એલની ઓફિસ પાસે નદી કાંઠે ૧૪માં નાણા પંચમાંથી રૂ. ૫ કરોડ ૧૭ લાખના ખર્ચે રીવરફ્રન્ટ યોજના સાકારિત થાય તે માટે આ પ્રોજેક્ટના કન્સલટન્ટ, શહેરી વિકાસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગ સાથે સઘન પરામર્શ કરતા આયોજનનું કામ ટૂંક સમયમાં હાથ ધરાશે.
આમ, મોરબીને રીવરફ્રન્ટની સુવિધા મળતા મોરબીના નાગરિકો માટે હરવા ફરવાનું એક નવું નઝરાણું ઉપલબ્ધ થશે. આ રીવરફ્રન્ટ પ્રોજેકટમાં ધોલપુર પથ્થર અને કોટા સ્ટોન વપરાશે તેમજ RCC ની પ્રોટેકશન વોલ, રબર મેશનરી વોલ, બેસવા માટે ડીઝાઇન કોલ બેન્ચીસ વિગેરે સિસ્ટેમાઇઝ બ્યુટીફીકેશનથી એક અલગ જ ચાર્મ રીવરફ્રન્ટને અપાય તે જોવા ધારાસભ્યએ ખાસ આગ્રહ સેવ્યો છે.

(10:40 pm IST)