Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

લગ્ન કરવા પહોંચેલી દુલ્હન, દલાલને પોલીસે ઝડપી લીધાં

નકલી દસ્તાવેજો પરથી લૂંટેરી દુલ્હન પકડાઈ ગઈ : ગીર-સોમનાથ જિલ્લાના ઉનામાં લગ્ને લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હનનો દાવ થઈ ગયો : પોલીસની વધુ પુછપરછ શરૂ

રાજકોટ, તા. ૨૪ : દીકરાના મોહમાં સમાજમાં ધીમે ધીમે દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. અનેક સમાજ અને વિસ્તારોમાં હાલત એવી છે કે અનેક યુવકોને લગ્ન માટે કન્યા નથી મળી રહી. કારણે યુવકોનાં લગ્ન માટે દૂર દૂરથી અજાણી કન્યા અને પરિવારમાં લોકો લગ્ન કરવા મજબૂર બને છે. જોકે, આમાંથી મોટાભાગના કિસ્સામાં યુવતી થોડો સમય સાથે રહ્યા બાદ રૂપિયા અને ઘરેલા લઈને ભાગી જતી હોય છે. આવા એક કિસ્સમાં ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં લગ્ને-લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હન આજે સવારના સમયે એક યુવક અને તેના મળતિયાઓ સાથે વાજતે-ગાજતે લગ્ન કરવા પહોંચી ગઈ હતી, પણ વરરાજાને તેની પોલ અંગે પહેલેથી જાણ થઇ જતાં તેણે પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લૂંટેરી દુલ્હન, દલાલ મહિલા સહિતની ટોળકીને પકડી લીધી હતી.

ઉના પોલીસમાં નોંધવામાં આવેલી એફઆઈઆર અનુસાર ઉના તાલુકાના તાલુકાના નાળિયેરી મોલી ગામે રહેતા રમેશભાઇ હરિભાઇ રાખોલિયાના એકના એક પુત્ર હિતેશ (ઉં. ૩૦)ના લગ્ન કરાવવાના હોઇ તેમણે બાજુના કાકડીમોલી ગામે રહેતા વિનુભાઇ રણછોડભાઇ રાઠોડને વાત કરી હતી. વિનુભાઇએ કન્યા રાજકોટ હોઇ ત્યાં જવું પડશે એમ કહ્યું હતું, આથી હિતેશ, તેનો મિત્ર પરેશ રામાણી અને વચેટિયા વિનુભાઇ સહિતના લોકો રાજકોટ ગયા હતા. ત્યાં સપના રમેશભાઇ કોસિયા નામની યુવતી સાથે હિતેશની મુલાકાત કરાવી હતી. હિતેશ અને સપનાએ વાતો કરી એકબીજાને પસંદ પણ કર્યાં, પણ સગાઇ નક્કી કરવાની વાત આવી ત્યારે સપનાની સાથે રહેતી જૂનાગઢની યુવતી કાજલ પરેશ હીરપરાએ લેવડ-દેવડની વાત કરી.

જે બાદમાં હિતેશે સપનાને લગ્નની ખરીદી માટે રોકડા ૪૧ હજાર રૂપિયા આપ્યા હતા. ઉપરાંત લગ્ન વખતે બે લાખ રૂપિયા અને દાગીના આપવાની વાત થઈ હતી. જે બાદમાં ૨૧ જૂને ઉના કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી થયું હતું. જોકે, લગ્ન પહેલા લૂંટેરી દુલ્હન અને તેના કેટલાક મળતિયા ગાડી ભાડે કરીને ઉના પહોંચી ગયા હતા. માટે ગાડીનું ભાડુ રુ. ૫૫૦૦ વરરાજાને ચુકવવાનું કહેતા તેણે ચૂંકવી આપ્યું હતું. જે બાદમાં વર અને કન્યા પક્ષના તમામ લોકો વરરાજાના પરિવારના ઓળખિતા વકીલ પાસે ગયા હતા. જ્યાં વકીલે ન્યાના આધારકાર્ડ, જન્મ તારીખનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ માગ્યા હતા, જે સપનાએ આપ્યા. જોકે વકીલને શંકા જતા તેમણે તમામ ડોક્યુમેન્ટની તપાસ કરાવી હતી જે બોગસ હોવાનું જણાયું હતું. જે બાદ પોલીસને જાણ કરાતા નક્કી થયા મુજબ લૂંટેરી દુલ્હન લગ્ન કરવા આવે તેની રાહ જોવાઈ રહી હતી. ત્યારે સપનાનો ફોન હિતેશને આવ્યો કે ૨૧ની જગ્યાએ ૨૩ તારીખે લગ્ન માટે ઉના આવશે અને દાગીના અને રુ. લાખ રોકડા તૈયાર રાખજો. જેથી હિતેશે ઉના પોલીસને પહેલાથી નક્કી થયા મુજબ જાણ કરી દીધી હતી.

જે બાદ ૨૩મીએ સવારે સપના, તેની માતા કાસીબેન રમેશ કોસિયા, કાજલ પરેશ હીરપરા, કાકડીમોલી ગામનો વચેટિયો વિનુ રાઠોડ અને તેની પત્ની ક્રિષ્ના અને બીજા બે શખસો ઉના કોર્ટમાં આવ્યા. વખતે સાદા ડ્રેસમાં આવેલી પોલીસે તમામને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવ્યા હતા અને સમગ્ર કૌભાંડ અંગે પૂછપરછ હાથ ધરી હતી. અંગેની વરરાજા હિતેશ રમેશભાઇ રાખોલિયાની ફરિયાદને આધારે નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે.

(7:47 pm IST)