Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજુલામાં રેલ્વે બોર્ડ જમીન ફાળવે તો ભાજપને વાંધો જ ન હોય -કોંગ્રેસ બદનામ કરે છે : નારણભાઇ કાછડીયા

કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરના આંદોલન મુદ્દે પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૪ : અમરેલી જીલ્લાની રાજુલા શહેરની રેલ્વે બોર્ડની જગ્યા ઉપર બગીચો તથા વિકાસના કામો કરવા માટે રેલ્વે બોર્ડ તરફથી જમીન નગર પાલીકા–રાજુલાને ન ફાળવવામાં આવતા સ્થાનિક ધારાસભ્ય અમરીશભાઇ ડેર દ્વારા છેલ્લા ૧પ દિવસ થી આંદોલન કરવામાં આવી રહયુ છે અને આ જમીન નગર પાલીકાને ન મળે તે માટે સાંસદ અને ભાજપના પદાધિકારીઓ તરફથી પ્રયત્નો કરવામાં આવી રહયા હોવાના આક્ષેપો થઈ રહયા છે ત્યારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ કે, અમરેલી સંસદી વિસ્તારના વિકાસ માટે હું છેલ્લા ર૦૦૯ થી સંસદસભ્ય તરીકે સતત પ્રયત્નો કરી રહયો  છું ત્યારે રાજુલા શહેરનો વિકાસ થતો હોઈ તેમાં મને કશો વાંધો હોય જ નહી.

વર્ષ ર૦ર૦ માં એટલે કે ગત વર્ષે મળેલ લોકસભા સત્ર દરમ્યાન રાજુલા શહેરને જમીન ફાળવવા મુદે હું ખુદ રૂબરૂ રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલજીને મળેલ હતો. પરંતુ ભવિષ્યમાં આ જમીન અંગે રેલ્વે બોર્ડ તરફથી આયોજન હોઈ જેથી રેલ્વે બોર્ડ આ જમીન ફાળવી શકે તેમ નથી તેવું કહેવામાં આવેલ હતંુ.

આ અંગે સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે, આગામી ટૂંક સમયમાં પાલીકાની ચૂંટણી યોજાવાની હોઈ, જેથી કોંગ્રેસ જમીન મુદે ભાજપના નેતાઓને બદનામ કરી ફકત પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. આજે પણ રાજુલા શહેરના વિકાસ માટે રેલ્વે બોર્ડ તરફથી જમીન ફાળવવામાં આવે તો મને કે ભાજપના કોઈપણ પદાધિકારીઓને કોઈ જ વાંધો નથી અમે હંમેશા વિકાસ અને જનતાની સાથે જ છીએ.

(1:18 pm IST)