Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકીય મહત્વતા આપવા સાંજે ભાવનગરમાં કોળી સમાજનો નગારે ઘા

પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગ્યા બાદ કોળી સમાજ પણ રાજકીય પદો અને સ્થાનો ઉપર સ્થાન આપવા આજે બેઠકમાં ઠરાવ કરશેઃ રાજય મંત્રી પુરૂષોતમ સોલંકી હાજર નહી રહેઃ પુત્ર અને ભત્રીજા બેઠકમાં હાજર રહેશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૨૪ :. રાજ્યમાં ૨૦૨૨ની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે તેવા સમયે જ પાટીદાર બાદ કોળી સમાજ દ્વારા પણ રાજ્યમાં રાજકીય સ્થાનો ઉપર કોળી સમાજને પણ પુરતુ પ્રતિનિધિત્વની માંગ સાથે આજે ભાવનગર ખાતે રાજ્યના મોટા ગજાના કોળી સમાજના આગેવાનોની બેઠક મળી રહી હોય રાજકીય પક્ષો ખાસ કરી ભાજપ દ્વારા બાઝ નજર રાખવામાં આવી રહી છે. આજની બેઠક પહેલા કોળી સમાજના અગ્રણી અને રાજ્યમંત્રી પુરૂષોતમભાઈ સોલંકી દ્વારા ભાજપ સામે કરવામાં આવેલા નિવેદનોને રાજકીય પંડીતો સૂચક માની રહ્યા છે.

તાજેતરમાં ખોડલધામ ખાતે મળેલા પાટીદાર સમાજના સંમેલનમાં પાટીદારોએ મુખ્યમંત્રી પદ સુધીની માંગણી કર્યા બાદ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી આ વમળો હજુ માંડ શાંત પડયા છે ત્યારે ભાજપ સરકારના રાજ્યમંત્રી પુરૂષોતમ સોલંકી પણ તાજેતરમાં આવેલા વાવાઝોડામાં સૌરાષ્ટ્ર દરીયા કાંઠાના માછીમારોને નુકશાની થઈ છે તેની યોગ્ય આકારણી અને હજુ સુધી સરકારે માછીમારોને કશુ આપ્યુ નથી તેવો ઉભરો ઠાલવતા અંદર-ખાને આંતરીક ખેંચતાણ હોવાનું બહાર આવ્યુ છે.

જો કે ગઈકાલે મળેલી કેબીનેટની બેઠકમાં ફરી સર્વે કરવાનું નક્કી થયુ હોય રાજ્ય સરકાર દ્વારા પુરૂષોતમભાઈ સોલંકીના રોષને શાંત પાડવા પગલા ભર્યા છે પરંતુ આવનારા દિવસોમાં આ વમળો શમે છે કે પછી... !

આજે ભાવનગરના એક ખાનગી રિસોર્ટમાં સાંજે રાજ્યના કોળી સમાજના મોટા આગેવાનો વચ્ચે રાજકીય સ્થાનો ઉપર ભાજપ યોગ્ય સ્થાન આપે તે માટે મીટીંગ મળી રહી છે. જેમાં રાજ્યમંત્રી પુરૂષોતમભાઈ સોલંકી હાજર નથી રહેવાના પરંતુ તેમના પુત્ર દિવ્યેશ સોલંકી અને તેમના ભાઈ હિરાભાઈ સોલંકી અને તેમના પુત્ર હાજર રહેશે તેવુ સુમાહિતગાર સૂત્રોમાંથી જાણ વા મળ્યુ છે.

આજની આ બેઠકમાં આગળની રણનીતિ શું ઘડાશે તેની ઉપર રાજકીય પક્ષો નજર રાખી રહ્યા છે.

આવનારી ચૂંટણીમાં આપ પક્ષે પણ રાજ્યની દરેક સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખશે તેવી જાહેરાત બાદ તેઓ પણ આ સંમેલન ઉપર નજર રાખી રહ્યા છે.

પાટીદારો બાદ હવે કોળી સમાજ દ્વારા પણ રાજકીય અવગણના થતી હોવાના મુદ્દે આજની બેઠક બાદ આગામી દિવસોમાં મહાસંમેલન યોજવાના હોય આગામી દિવસોમાં રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જગાવી છે.

જો કે પુરૂષોતમભાઈ સોલંકી આજની બેઠકમાં હાજર રહેવાના નથી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ ભાવનગરમાં આજે સાંજે કોળી સમાજની ચિંતન બેઠક મળી રહી છે. આ બેઠકમા રાજ્યમંત્રી પરષોતમભાઈ સોલંકીને આમંત્રણ અપાયુ હોવાનુ મુખ્ય આયોજક રાજુભાઈ કોળીએ જણાવ્યુ છે. પાટીદાર સમાજ દ્વારા સંમેલન મળ્યા બાદ હવે ભાવનગરમાં આજે સાંજે ઈસ્કોન કલબ ખાતે સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠક મળનાર છે. જેમાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે અને વર્તમાન રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરશે.

(11:55 am IST)