Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રીલીફ -મુંબઇ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારોને આર્થિક સહાય

અમરેલી,તા. ૨૪: જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન-મુંબઈ દ્વારા કોરોના મહામારીના બે વર્ષના કપરા સમયમાં સમગ્ર ભારતમાં કરોડો રૂપિયાની સહાય કરી છે ત્યારે રીલીફ ફાઉન્ડેશન દ્વારા રત્નકલા સહાય યોજના હેઠળ અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓના ગામડાઓ સહિત હીરાઉધોગ સાથે સંકળાયેલ રત્નકલાકાર,મેનેજર ,દલાલ,કારખાનેદાર કે જેઓનું કોરોનાથી મૃત્યુ થયું હોય તો તેઓના પરિવારોને આર્થિક સહાય કરવામાં આવશે. આ માટે અમરેલી જિલ્લા ડાયમંડ એસો.ના સહયોગ થી જિલ્લાના તમામ તાલુકાના તમામ ગ્રામ્યવિસ્તારમાં કારખાના ચલાવતા કારખાનેદારોએ કોરોનાથી મૃત્યુ પામેલ રત્નકલાકારનું ડેથ સર્ટિફિકેટ ,આધાર કાર્ડ, કારખાનામાં કામ કરતા હોવાનો પુરાવો તથા બેંકની પાસબુકની નકલ સહિતની માહિતી તા. ૧/૦૭/ર૦ર૧ (પહેલી જુલાઈ) સુધીમાં અમરેલી કાળુભાઈ સુહાગીયા મો.ન.૯૪૨૭૪ ૨૬૦૬૦ તથા જયસુખભાઈ કાકડીયા મો.ન.૯૪૨૭ર ૩૧૭૫૬ પર સાગર ડાયમંડ-અમરેલી પહોંચાડવી.

ગુજરાતના અમરેલી સહિતના તમામ જિલ્લામાં કામ કરતા રત્નકલાકારોના કોરોનાથી મૃત્યુ થયા છે તેવા પરિવારોના જીવનનિર્વાહ પૂર્વવત થાય તેવા આશયે જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન-મુંબઈના ટ્રસ્ટીશ્રીઓ સંજય કોઠારી ,અશોક એચ .ગજેરા,ડો.વિકરમ મહેતા તથા જિતેન્દ્ર કે ભણસાલી વિ. ભારે જહેમત ઉઠાવી રહયાં છે, આ તકે અમરેલી જિલ્લાના મુંબઈ સ્થિત આંતરરાષ્ટ્રીય યુવા હિરાઉધોગપતિ,લક્ષ્મી ડાયમંડ તથા સિગ્નસ ડાયમંડ પ્રા.લિ-મુંબઈના માલિક,જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મહારાષ્ટ્ર રાજયના ચેરમેન તથા રીલીફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી અશોક ગજેરાએ જણાવ્યું હતુ કે કોરોનાથી મૃત્યુ પામેલ રત્નકલાકાર ,મેનેજર ,નાના કારખાનેદાર,દલાલ કે હીરાની લે-વેચ કરતા કોઈપણના પરિવારમાં પૈસાના કારણે તેમના બાળકોનું શિક્ષણ તથા પરિવારોનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી ના પડે તે માટે આર્થિક સહાય કરીને તેવા પરિવારોની જિંદગી હસતી-ખેલતી કરવાનો અમારો પ્રયાસ હતો, છે અને રહેશે.

(11:38 am IST)