Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કેશોદમાં યુવાઓમાં રસી માટે ઉત્સાહઃ પરિવાર સાથે મેળવ્યું કોરોના કવચ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૪: કોરોના વાયરસને નાથવા સરકારે રસીકરણ અભિયાને વેગ આપ્યો છે. દેશમાં દરેક લોકોને રસી મળી રહે તે માટે સરકારે રસીકરણ કેન્દ્રો શરૂ કર્યા છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા યોગ દિવસ થી ૧૮+ની કોરોના વેકસીન વિનામૂલ્યે સ્થળ પર આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. ત્યારે કેશોદ આરોગ્ય વિભાગ દ્વારા વધું પ્રમાણમાં લોકો રસીકરણનો લાભ મેળવી સુરક્ષિત બને એ હેતુથી સરકારી દવાખાને ઉપરાંત કેશોદ વિવિધ વિસ્તારોમાં ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિનામૂલ્યે રસીકરણનું આયોજન કરવામાં આવેલ છે.

કેશોદના અમૃત નગર ખાતે આવેલ ક્રિષ્ના સ્કૂલ ખાતે કોરોના વેકિસનેશન કેમ્પ યોજાયો હતો. કેશોદ અર્બન હેલ્થ સેન્ટર અને ક્રિષ્ના સ્કૂલ સાથે મળીને આ કોરોના વેકિસનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. કોરોના વેકિસનેશન કેમ્પમાં ૧૮ વર્ષથી લઇ અને ૪૪ વર્ષના લોકોએ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો. સ્કૂલના ટ્રસ્ટીએ અપીલ કરતા જણાવ્યુ કે 'કોરોના વેકિસન વધુમાં વધુ લોકોએ લેવી હિતાવહ છે.'

આજરોજ કેશોદના અમૃતનગર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સ્કૂલમાં યોજાયેલ કોરોના રસીકરણ કાર્યક્રમમાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેશોદના ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતાં કોરોના વેકસીન રસીકરણ કાર્યક્રમમાં વધું લોકોને લાભ મેળવવા યુવાનો દ્વારા સોશ્યલ મીડિયાનાં માધ્યમથી પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. કેશોદ અર્બન હેલ્થ સેન્ટરનાં ડોકટર રક્ષિત જોષી અને વેકસીનેશનની જવાબદારી સંભાળતાં દિપેનભાઈ અટારાએ અપીલ કરી કહ્યું કે, 'કોઈ અફવા કે અન્ય ગેરસમજ ધ્યાનમાં લીધાં વગર રસીકરણના આ રાષ્ટ્રિય કાર્યક્રમમાં જોડાઈ પોતે તથા પોતાનાં પરિવાર ને સુરક્ષિત બનાવીએ.'

(10:48 am IST)