Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભુજમાં કોરોનાના નિયમોનો ભંગ કરી ડાયરો : ગાયિકા ગીતા રબારી અને આયોજન સંજય પ્રતાપ ઠક્કર સામે ફરિયાદ

લોક ગાયિકા ગીતા રબારીને વેકિસન બાબતે ઠપકા બાદ ફરી સરકારી ગાઇડલાઇનની ઐસીતૈસી : પશ્ચિમ કચ્છ એસપીએ કરી કાર્યવાહી

ભુજ તા. ૨૪ : કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ આમ નાગરિકો સામે કાયદાનો દંડો ઉગામી કરાતી કાર્યવાહી વચ્ચે કચ્છમાં લોક ગાયિકા ગીતા રબારી સતત કોરોના ગાઈડ લાઈનના ભંગ કરવા બદલ ચર્ચામાં છે.

પહેલા ભુજના વડઝર ગામે લગ્ન સમારોહમાં ભાગ લેવા બદલ ત્યાર બાદ પોતાને ઘેર વેકિસન લેવા બાબતે ગાયિકા ગીતા રબારી ચર્ચામાં આવ્યા. પણ, તેઓ સુધર્યા નહીં અને ફરી બે દિ' પહેલાં જ તેમણે ભુજના રેલડી ગામે પોતાના ગ્રૂપ સાથે ડાયરામાં ભાગ લીધો. આ ડાયરો વગર મંજૂરીએ સંજય પ્રતાપ ઠક્કરની વાડીએ યોજાયો હતો. મામોટિયા પરિવાર દ્વારા યોજાયેલ પેડીમાં આ ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં ૨૫૦ થી પણ વધુ લોકો હાજર હતા. સોશ્યલ મીડિયા માં આ ડાયરા અંગે થયેલ ચર્ચાને પગલે ફરી એકવાર લોક ગાયિકા ગીતા રબારી વિવાદમાં આવ્યા હતા.

અગાઉ વિવાદ થયા બાદ ઠપકો મળ્યો હોવા છતાંયે આ વખતે ફરી કાયદાનો ભંગ કરનાર ગીતા રબારી સામે પોલીસે એપેડેમિક એકટ હેઠળ ગુનો નોંધી ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે. જેમની વાડીએ આ ડાયરો યોજાયો હતો તે સંજય પ્રતાપ ઠકકર (ગાંધીધામ) સામે પણ ગુનો નોંધાયો છે.

(10:42 am IST)