Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

જસદણના સરતાનપર ગામે પ્રેમસંબંધ મામલે આશીષ કોળીની હત્યા

ત્રણ દિ' પુર્વે યુવતીના પરિવારજનોએ વાડીમાં ઘુસી જઇ લોખંડના પાઇપથી ખુની હુમલો કરતા ઘવાયેલ આશીષનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયોઃ હત્યા કરનાર યુવતીના પિતા સહિત ૯ શખ્સોની શોધખોળ

આટકોટ, તા., ૨૪: જસદણના સરતાનપર ગામે ૩ દિ' પુર્વે પ્રેમ સબંધ મામલે કોળી યુવક પર ખુની હુમલો થયા બાદ યુવકનું રાજકોટ હોસ્પિીટલમાં સારવાર દરમીયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી હત્યા કરનાર ૯ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.  પ્રાપ્ત વિગતો મુજબ જસદણના સરતાનપર ગામે રહેતા આશીષ જયંતીભાઇ રોજાસરા (કોળી) (ઉ.વ.ર૧)ગત તા.ર૧ના રોજ તેની વાડીએ હતો ત્યારે પ્રેમસબંધ મામલે  મનુભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા, જયંતી વિઠ્ઠલભાઇ મકવાણા, વિનુ વિઠ્ઠલભાઇ મકવાણા, પ્રકાશ જયંતીભાઇ મકવાણા, બુધા જયંતીભાઇ મકવાણા (રહે. પાંચેય બંધાણી ગામ, તા. વિંછીયા)તથા ચાર અજાણ્યા શખ્સોએ વાડીમાં પાઇપ અને લાકડી સાથે ઘુસી જઇ આશીષ પર ખુની હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તેનું સારવાર દરમિયાન ગઇકાલે મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર આશીષને મનુભાઇ  મકવાણાની પુત્રી સાથે પ્રેમ સબંધ હોય અને આ સંબંધ મનુભાઇ તથા તેના પરિવારજનોને માન્ય ન હોય એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી આશીષ પર ખુની હુમલો કર્યો હતો.

આ બનાવ અંગે હત્યાનો ભોગ બનનાર આશીષના પિતા જયંતીભાઇ આંબાભાઇ કોળીએ ઉકત નવેય શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જસદણના પીઆઇ કે.આર.રાવતે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. (૪.૮)

 

(11:19 am IST)