Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મોરબીના સામાકાંઠે રહેણાંક એપાર્ટમેન્ટમાં આગ ભભૂકી.

વીજ મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અંદાજે 28 વીજ મીટર બળી ગયા

મોરબીના સામાકાંઠે આવેલ એક એપાર્ટમેન્ટમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ એપાર્ટમેન્ટના એક વીજ મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યા બાદ અંદાજે 28 વીજ મીટર બળી ગયા હતા. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ઋષભનગર વિસ્તારમાં આવેલ ચબૂતરા પાસેના શિવાલય એપાર્ટમેન્ટમાં આજે અચાનક કોઈ કારણોસર આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ એપાર્ટમેન્ટના આજે સવારે વીજ મીટર બોક્સમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી અને આ આગની લપેટમાં અંદાજે 28 જેટલા વીજ મીટર આવી જતા આ તમામ મીટર બળી ગયા હતા અને આગ લબકારા મારતી હોવાથી સ્થાનિકોએ આગ વધુ ફેલાય તે પહેલાં જ આજુબાજુમાંથી પાણીનો મારો ચલાવતા આગ બુઝાઈ ગઈ હતી. જો કે પાવર વધઘટ થવાના કારણે અથવા શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોએ તારણ દર્શાવી આ બનાવની પીજીવીસીએલ તંત્રને જાણ કરી હતી.

(11:45 pm IST)