Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

અમરેલીમાં નારણભાઇ કાછડીયાનું વિજય સરઘસ

કોંગ્રેસના વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનો પરાજય થતા કોંગ્રેસમાં સન્નાટો

અમરેલીમાં ભાજપનું  વિજય સરઘસ નિકળ્યું અમરેલી લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડીયા બે લાખ ની લીડથી વિજેતા બનતા ભાજપ આગેવાનો કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો.

 

અમરેલી તા. ર૪ :.. અમરેલી લોકસભાની બેઠક ભાજપે ફરી કબ્જે કરી છે. ભાજપના ઉમેદવાર શ્રી નારણભાઇ કાછડીયાએ કોંગ્રેસના વજનદાર ઉમેદવાર શ્રી પરેશ ધાનાણીને જંગી બહુમતી લીડથી પરાજય આપતા કોંગ્રેસમાં સન્નાટો છવાય ગયો છે.

અમરેલી લોકસભાની બેઠક ઉપર સમગ્ર રાષ્ટ્રની નજર હતી આ બેઠક ઉપર રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના  અને ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા કોંગ્રેસના નેતા શ્રી પરેશ ધાનાણીએ ભાજપના બે વખત ચૂંટાયેલા ઉમેદવાર શ્રી નારણભાઇ કાછડીયા સામે ઉમેદવારી કરી હતી.

આ બેઠક ઉપર વડાપ્રધાન શ્રી મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કર્યો હતો આથી આ બેઠક ઉપર વધુ હાઇ વોલ્ટેજ મુકાબલો જોવા મળતો હતો.

ગઇકાલે ચૂંટણી પરિણામો જાહેર થતા શરૂઆતમાં શ્રી ધાનાણી આગળ રહ્યા બાદ ભાજપના ઉમેદવાર શ્રી નારણ કાછડીયા તમામ રાઉન્ડમાં આગળ રહ્યા હતા અને ગણતરી શરૂ હતી. દરમિયાન શહેરમાં ભાજપ કાર્યકરો દ્વારા મોદીની તથા કાછડીયાની જીત નિશ્ચિત માની આતિશબાજી, ફટાકડા, ઢોલ, નગારા વગાડી શરૂ કરી દીધી હતી. આકાશ ફટાકડાના અવાજથી ગુંજી ઉઠયું હતું.

પરિણામ સાંજના સમયે જાહેર કરાતા ભાજપના શ્રી કાછડીયા જંગી બહુમતી લીડ ર૦૦૭૯૧ મતોથી વિજય થયા હતા. શ્રી કાછડીયા સતત ત્રીજી વાર આ બેઠક ઉપર જીતતા હેટ્રીક ફટકાર્યાની વાતો વહેતી થવા પામી હતી.

(1:15 pm IST)