Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

જુનાગઢ લોકસભા બેઠકના ૯ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ : નોટામાં ૧પ૦૬૮ મત પડયા

ભાજપને ર૦૧૪ની ચૂંટણી કરતા ૧૪૮પ૩ મત વધુ મળ્યા

જુનાગઢ, તા. ર૪ : જુનાગઢ લોકસભા બેઠકનું પરિણામ ભાજપ તરફી રહેતા સાંસદ રાજેશ ચુડાસમા કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ વંશને હરાવીને બીજી વખત વિજેતા બન્યા છે. જોકે, ૯ ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી છે.

જુનાગઢ લોકસભા બેઠક માટે કુલ ૧ર ઉમેદવારોએ તેમની રાજકીય ભાવિ અજમાવ્યું હતું. ગઇકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થતા ભાજપના ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમાને પ,૪૭,૭પર મત મળ્યા હતાં. જયારે તેમના હરીફ કોંગી ૩,૯૭,૭૬૭ મત મળ્યા હતાં.

આમ રાજેશભાઇ ચુડાસમાનો  ૧,પ૦૧૮ર મતની જંગી લીડથી વિજય થયો હતો. આમ ર૦૧૪ની ચૂંટણી કરતા ર૦૧૯ની ચૂંટણીમાં રાજેશ ચુડાસમાને ૧૪,૮પ૩ મત વધુ મળ્યા છે.

ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૧,૩પ,૩૩રની લીડ મળી હતી જે આ વખતે રેકોર્ડ તૂટયો છે. બીજી તરફ કોંગ્રેસને વિધાનસભા કરતા ૧.પ૮ લાખ મતની ખાધનો સામનો કરવો પડયો છે.

જૂનાગઢ લોકસભા બેઠકના કુલ ૧ર ઉમેદવારોમાંથી ૯ મુરતીયાની ડીપોઝીટ પણ ડુલ થઇ છે. ર૦૧૪માં નોટામાં ૧૭,૦રર મત પડયા હતાં જોકે આ વખતે નોટાને ૧પ,૦૬૮ મત મળ્યા હતા.

બીજી વખત સાંસદ બનેલા રાજેશ ચુડાસમા સમક્ષ અનેક પડકારો છે જેમાં મુખ્ય જુનાગઢ શહેરને રેલ્વે ફાટકોથી મુકત કરવાનું મહાકાર્ય કરવાનું બાકી છે. આ ઉપરાંત જળસમસ્યા, ખેડૂતોની નારાજગી દૂર કરવાની રહેશે.

લોકસભા સામાન્ય ચૂંટણી ર૦૧૯ના જંગમાં ભાજપને અંદર ખાતેથી જૂનાગઢ બેઠક ગુમાવવાની ભીતી હતી અને કોંગ્રેસને આ સીટ પર જીત મળવાની જબરી આશા હતી, પરંતુ જે ઠગારી નિવડી છે અને કોંગ્રેસ ઉમેદવાર ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશને બીજી વખત પરાજયનો સામનો કરવો પડયો છે.

(1:14 pm IST)