Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ગારીયાધાર ન.પા. ચિફ ઓફીસર સામે સદસ્યો દ્વારા લેખીત ફરીયાદ નિયામકને અપાઇઃ ફરજ મુકિતની માંગ

સદસ્યો અને કર્મચારીની હેરાનગતી, ભ્રષ્ટ્રાચાર સહિત ૧૩ મુદા રજૂ કરાયા

ગારીયાધાર તા. ર૪ :.. ગારીયાધાર નગરપાલિકા કચેરી છેલ્લા કેટલાક સમયથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિઓ નિર્માણ પામે છે. તાજેતરમાં રોડ સ્વીપર મશીનની ખરીદીના ગોટાળા બાદ ન.પા.નાં સદસ્યો દ્વારા ચીફ ઓફીસર ૧૩ મુદાઓની રજૂઆત સાથે તાત્કાલીક ધોરણે ફરજ મુકત કરવાની માગણી કરવામાં આવી છે.

સદસ્યો દ્વારા લેખીતમાં કરવામાં આવી રજૂઆતમાં ચીફ ઓફીસરની જવાબદારીમાં આવતું કામ કર્મચારી પર ઠોકી દેવામાં આવે છે. ન.પા. તિજોરીને ઘરની પેઢીની જેમ ઉપયોગ કરવામાં આવે છે. સદસ્યોની રજૂઆતો સામે અભ્યાસ કરવો પડશે તેવા ખોટા બહાના બતાવી કોઇ કામ થવા દેતા નથી.

આચારસંહિતામાં ન.પા.ની તિજોરીમાં પ૦૦૦ ના બીલોના ટૂકડા કરી બેફામ પણે પૈસા લૂંટાઇ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના એ વર્તન લાભાર્થી પાસેથી માનીતી વ્યકિત સાથે સેટીંગો કરીને પૈસા ઉઘરાવાય છે. અધિકારીના માનસિક ત્રાસના કારણે ન.પા. એન્જીનીયર દ્વારા અંગત કારણ દર્શાવીને રાજીનામું આપેલ છે. ન.પા.માં પૂર્વ મહિલા કર્મચારી સાથે થયેલા અશોભનીય વર્તન બાબતે ફરીયાદો ઉઠી હતી જે નિયામક કચેરી સુધી ફરીયાદો થઇ હતી.

દરમિયાન સદસ્યોના ફોન ઉપાડાતા નથી. જેવા ૧૩ જેટલા મુદાઓ સાથે નિયામક કચેરી કમિશ્નરને ન.પા.ના સદસ્યો દ્વારા લેખીત ફરીયાદ કરી તાત્કાલીક ધોરણે ન.પા. ચીફ ઓફીસર ડી. બી. વઘાસીયા ફરજ પરથી મુકત કરવાની માંગણી કરવામાં આવી છે.

જયારે આ બાબતે નિયામક કચેરી ભાવનગર સંપર્ક કરતા ચીફ ઓફીસર ભરતભાઇ વ્યાસે જણાવ્યું હતું કે આ બાબતે કચેરી ખાતે લેખીત રજુઆત આવી છે. કાર્યવાહી થશે જે બાબતે જાણ કરવામાં આવશે.

(11:40 am IST)