Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભાવનગરમાં સગીરાનું અપહરણ કરી ગેંગ રેપ

સાતેક શખ્સો ઘર પાસેથી ઉઠાવી જઇ વાડીમાં ત્રણ દિ' સુધી ગોંધી રાખીઃ પ્રકાશ બારૈયા, પારસ વેગડને પોલીસે ઝડપી લીધાઃ વારા ફરતી દુષ્કર્મ આચરી ધમકી આપી

ભાવનગર તા. ર૪ :.. ભાવનગરમાં સગીરાનું અપહરણ કરી ગેંગ રેપની વધુ એક ઘટના બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે. સગીરાનું અપહરણ કરી વાડીએ લઇ જઇ ૬ થી ૭ શખ્સોએ દુષ્કર્મ કર્યાની ફરીયાદ નોંધાતા પોલીસે ત્રણ નરાધમોને ઝડપી લીધા છે.

 

ભાવનગરમાં થોડા દિવસ પહેલા જ ૧પ વર્ષની સગીરાનું અપહરણ કરી ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ કર્યાનો બનાવ બનવા પામ્યો હતો. આવો વધુ એક બનાવ બનવા પામ્યો છે.

મળતી વિગતો મુજબ શહેરનાં ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો અંકિત પ્રવિણભાઇ મેર, પ્રકાશ બારૈયા સહિતનાં છ થી સાત શખ્સોએ એક સગીરાનું તેણીનાં ઘર પાસેથી બદકામ કરવાનાં ઇરાદે અપહરણ કરી એરપોર્ટ રોડ ગોકુળનગરમાં આવેલી વાડીમાં લઇ ગયા હતા જયાં સગીરાને ગોંધી રાખી ત્રણ દિવસ દરમ્યાન આ ૬ થી ૭ શખ્સોએ વારા ફરતી સગીરા ઉપર દુષ્કર્મ આચરી તેણીને મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે ભોગ બનનાર સગીરા એ બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ પૈકી અંકિત મેર તેના બે મિત્ર પ્રકાશ બારૈયા, અને પારસ વેગડને ઝડપી લીધા હતા અને તપાસ હાથ ધરી છે. (પ-૧૯)

(11:31 am IST)