Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વિજયભાઇ દ્વારકામાં: હેરિટેજ સીટી ડેવલપમેન્ટ એન્ડ એગમેન્ટેશન યોજના ''હદય'' અન્વયે બેટ દ્વારકામાં રૂ. ૧૪.૪૩ કરોડના વિકાસ કામોનો પ્રારંભ

દ્વારકાધીશ ભગવાનના દર્શને વિજયભાઇ રૂપાણી : દ્વારકા : રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે દ્વારકાધીશ ભગવાનના દર્શને આવ્યા હતા. તેઓનું સ્વાગત કલેકટર શ્રી ડોડીયા, વાઇસ ચેરમેન ધનરાજભાઇ નથવાણી, પરેશભાઇ જાખરીયા, પાલિકા પ્રમુખ જીતેશ માણિક, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, શહેર ભાજપ મહામંત્રી વિજય ભૂજડ સહિતનાએ કર્યું હતું.(તસ્વીરઃ અહેવાલઃ વિનુભાઇ સામાણી-દ્વારકા)

 દ્વારકા તા.૨૪: રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે જુનાગઢ અને દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા છે.

વિજયભાઇ રૂપાણીનું આજે બપોરે ૧૧:૪૦ મીઠાપુર હેલીપેડ ખાતે તેમનું આગમન થયું હતું.  ત્યારબાદ રોડ મારફતે જગતમંદિર દ્વારકાધીશ મંદિરમાં દર્શન તથા પુજા-અર્ચના  કરી હતી. ત્યારબાદ દ્વારકાધીશ મંદિરમાં શીશ ઝુકાવી ૧૨:૨૫ વાગ્યે સુજલામ સુફલામ જળસંચય પ્રોગ્રામ કે  જે બરડીયા ખાતે ૧૨:૪૫ એ હાજરી આપી હતી. ત્યારબાદ ૧:૪૫ સુજલામ સુફલામ જળસંચય માં હાજરી આપી સરકીટ હાઉસ ખાતે બપોરે ૨ થી૩ વાગ્યા સુધી લંચ તથા રોકાણ કર્યુ હતું.

સરકીટ હાઉસમાં રોકાણ બાદ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા દ્વાદશ દિધગીયા ધર્ર્મોત્સવ શ્રી મદ્ ભાગવત કથા શ્રી કંકેશ્વરી દેવીજી કથા મંડપ માં હાજરી આપી હતી.  ધર્મોત્સવનો લાભ લઇ કથા મંડપ માંથી ૪:૧૫ નીકળી મીઠાપુર હેલીપેડ ખાતે રવાના થશે. સાંજે ૪:૪૦ એ મીઠાપુર હેલીપેડ પહોંચી અમદાવાદ એરપોર્ટ ખાતે રવાના થશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ આજે સુપ્રસિધ્ધ તિર્થધામ દ્વારકામાં બેટ દ્વારકામાં રૂ. ૧૪.૪૩ કરોડના યાત્રાળુ સુવિધા કામોનો પ્રારંભ કરાવ્યો હતો.

ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે દેશના અગ્રીમ સાંસ્કૃતિક ચેતના કેન્દ્રસમા ૧૨ શહેરો-તિર્થધામોની હેરીટેજ સીટી ડેવલપમેન્ટ એન્ડ એગમેન્ટેશન યોજના -'હ્યદય' તહેત માળખાગત સુવિધા અને પ્રવાસીઓની સુવિધા-સુખાકારી વૃધ્ધિ માટે પસંદગી કરી છે.

 ગુજરાતના એકમાત્ર તિર્થસ્થાન દ્વારકાનો આ યોજનામાં સમાવેશ થયો છે.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિશેષ નિર્દેશનથી દ્વારકા સાથે જ બેટ દ્વારકા તિર્થને પણ 'હ્ય્દય' યોજનાનો લાભ આપવામાં આવી રહયો છે.

તદઅનુસાર મુખ્યમંત્રી બપોરે ૩ કલાકે આ યોજના અંતર્ગત બેટ દ્વારકામાં મહત્વના પવિત્ર અને સાંસ્કૃતિક સ્થળોના વિકાસ માટે રૂ.૧૪.૪૩ કરોડના કામોનો પ્રારંભ કરાવવાના છેે. આ પૂર્વે શ્રી વિજયભાઇ રૂપાણી દેવભૂમિ દ્વારકાના બરડીયામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત શ્રમદાનમાં જોડાયા હતા.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે દ્વારકા શહેરમાં 'હ્રદય' યોજના અંતર્ગત રૂ.૧૫ કરોડના વિકાસકામો હાલ કાર્યન્વિત છે.

 સમગ્ર દ્વારકા શહેરને પાંચ ઝોનમાં વહેચીને જાહેરમાર્ગનું વિસ્તૃતિકરણ અને નવિનીકરણ, સુવિધાસભર, ફુટપાથ, પબ્લીક એડ્રેસ, સીસ્ટમ, અને સીસીટીવીની સુવિધા સાથેની એલઇડી રોડ લાઇટીંગ, ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર, સુવિધાસભર ટોયલેટ બ્લોક, શહેરમાં વિવિધ સ્થળોએ પ્રવાસી બેઠક વ્યવસ્થા જેવા માળખાગત સુવિધાઓના કામ આ યાત્રાધામમાં પ્રગતિમાં છે.

 ''હદય'' યોજનાનો ઉદેશ માત્ર ભોૈતિક સુવિધાઓ વધારવા પુરતો સીમીત નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને સંસ્કૃતિક વારસો, પરંપરાગત કલાઓની જાળવણી અને સંવર્ધનનો પણ છે. આ દિશામાં દ્વારકા નગરપાલિકાએ છેલ્લા ૧ વર્ષમાં ૨ વખત ગોમતી ઘાટ ક્રાફટમેળાનુ સફળતાપુર્વક આયોજન કર્યુ હતું.

ગયા વર્ષે જન્માષ્ટમીના પર્વે ભગવાનશ્રી કૃષ્ણની જીવનલીલાઓ અને સાંસ્કૃતિક વારસાને કેન્દ્રમાં રાખતી રાજયકક્ષાની ચિત્ર સ્પર્ધાનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું.

ઓરીસ્સાની માફક ગુજરાતના વિશાળ દરિયા કિનારે પણ રેતશિલ્પની કલા વિકસે તેવી પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પના સાકાર કરવા જન્માષ્ટમી પર્વે ગોમતીઘાટે માત્ર દરિયાની રેતીથી જગતમંદિરની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રી આ વિકાસકાર્યો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુપોષણમુકિતના સંદેશ સાથે જિલ્લા વહિવટીતંત્ર પ્રેરીત 'કાન્હાનું કામ, દૂધનું દાન' અભિયાનનો પ્રારંભ કરાવશે.(૪.૭)

(1:57 pm IST)