Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મોરબીના વેપારી પાસે પ લાખની ખંડણી માંગનાર ૪ શખ્સોના રીમાન્ડ મંગાયા

વાંકાનેરના ડોન અભયસિંહ બાપુ હોવાની ઓળખ આપીઃ અગાઉ બોટાદના હરદીપ પટેલને પણ ધમકી આપી'તીઃ મોજશોખ માટે ખંડણી માંગતો'તો

તસ્વીરમાં પકડાયેલ ચારેય શખ્સો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ મોરબી)

 મોરબી તા. ર૪:.. વાંકાનેરના ડોન અભયસિંહ બાપુ હોવાની ઓળખ આપી મોરબીના વેપારી પાસે પ લાખની ખંડણી માંગનાર ચાર શખ્સોને પોલીસે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ પરના રહેવાસી અમર જયંતીભાઈ માકાસણા નામના વેપારી નેશનલ હાઈવે પર શકિત ચેમ્બરમાં ઈડન ઓવરસીસ નામની સિરામિક ટાઈલ્સ એકસપોર્ટ પેઢી ચલાવતા હોય જેને ગત તા. ૧૪ ના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં વાતચીત કરતા સામેની વ્યકિતએ વાંકાનેરનો ડોન અભયસિંહ બાપુ હોવાની ઓળખ આપીને પાંચ લાખ મોકલાવી દેવાનું કહીને ધમકી આપી હતી અને ત્યારબાદ પણ ફોન પર ચારથી પાંચ વખત ધમકી મળી હતી જે મામલે ફરિયાદ નોંધાતા જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે તપાસ ચલાવી.  ખંડણી માટે ફોન કરનાર આરોપી હાર્દિક ધીરૂભાઈ પટેલ રહે. ચિત્રકૂટ સોસાયટી, મોરબી, હિતેશ ઉર્ફે ગબ્બર ઉમેશ જાંબુ કિયા રહે. સેંથળી જી. બોટાદ, જયરાજ ભીખુ ખાચર રહે. સેંથળી જી. બોટાદ તથા રોહિત ઉર્ફે તોતી દલસુખભાઈ રહે. લાલપર તા. મોરબી એમ ચાર આરોપીને દબોચી લઈને તેની પાસેથી મોબાઈલ ફોન અને સ્કોડા ઓકટીવ કાર કબજે લેવાઈ છે જયારે અન્ય એક આરોપી કરણ ભરવાડનું નામ ખુલતા તેણે દબોચી લેવા તપાસ ચલાવી છે.

ચાર પૈકીના આરોપી રોહિત નામનો શખ્શ ફરિયાદી વેપારીની સાથે અભ્યાસ કરતો હોય જેથી તેની પાસેથી રૂપિયા મળી જશે તેવું હાર્દિક પટેલ અને અન્ય આરોપીને જણાવ્યું હતું અને જયરાજ ખાચર નામનો ઇસમ મોરબી આવ્યા બાદ નવો મોબાઈલ અને સીમકાર્ડ લઈને ખંડણી માટે ફોન કર્યો હતો.

આરોપીઓ મોજશોખ અને રજવાડી જિંદગી જીવવા માટે આડા રવાડે ચડ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ આરોપીઓએ બોટાદના રહીશ હરદીપ પટેલને મોબાઈલ ફોન પરથી ધમકી અપાયાની કબુલાત આપી હતી પરંતુ ત્યાંથી કંઇ રકમ મળી ન હતી પકડાયેલ ચારેય શખ્સોને આજે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે. વધુ તપાસ તાલુકાના પી.એસ.આઇ. શકિતસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે. (પ-૧૩)

(12:06 pm IST)