Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સોમનાથ મંદિરની સુરક્ષામાં રાજકોટ પોલીસ શ્વાન દળનો 'શેરૂ' ખડેપગે

રાજકોટના ખોડીયાર નગરમાં બોંબ ભરેલ બોકસ શોધી તેના આરોપી શોધવામાં પોલીસને મહત્વનું ઇન્ડીકેશન મેળવી ઇનામ મેળવેલ

 પ્રભાસ-પાટણ, તા.૨૪: વિશ્વ પ્રસિધ્ધ ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર જડબેસલાક ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતું હોય જેના સલામતીના ભાગ રૂપે રાજયના ચુનંદા શ્વાન દળમાંથી રાજકોટ પોલીસનો ચાર વરસનો 'શેરૂ'નામનો જર્મન સેફર્ડ શ્વાન છેલ્લા એક મહિનાથી ફરજ બજાવી રહ્યો છે.

વેકેશન ગાળો, અધિક માસ તથા અન્ય શહેરોમાં કાળઝાળ ગરમીને કારણે સોમનાથ ખાતે યાત્રિકો-પ્રવાસીઓની ભીડ ઉમટે છે. જેની ઉપર બાજ નજર-તલાસી મદદ અર્થે આ શ્વાન ફરજ વ્યસ્ત રહે છે.

સોમનાથ મંદિર ખુલે તે પહેલાં કમ્પાઉન્ડમાં ઠેર-ઠેર સુંઘવાની શકિતથી તપાસ કરી આપણી ઉજળી આવતીકાલ અને સલામતી માટે કાર્યરત આ ડોગે રાજકોટના ખોડીયાર નગરમાં બોંબનું જે બોકસ મળ્યુ હતું તે શોધી અને તેના આરોપી સુધીનું ઈન્ડીકેશન ચપળતાથી દાખવનાર એવા તેને તે કામગીરીનું રાજકોટ પોલીસ કમીશ્નરે ઇનામ પણ આપેલ છે.

રાજકોટ પોલિસ કમીશ્નર તથા રાજય ડોગ સ્કવોડના ઇન્સ. ખરાડીના માર્ગદર્શન મુજબ સોમનાથ ખાતે હાલ રાજકોટ સીટીના પોલિસ ડોગ હેન્ડલર જયપાલસિંહ ઝાલા તેની સાથે જોડાયા છે.

આ શ્વાનની લાક્ષણિકતામાં દરરોજ સવારે તેને સાફ-સુફ કરી - ઉત્સાહીત કરી  પછી જ નોકરીનો પ્રારંભ કરાવાય છે.

ખોરાકમાં ખાતાના નિયમ મુજબ સવારે પે.ડીગ્રી બિસ્કીટ અને સાંજે સાત ધાનનો ખીચડો એમ બે વાર જ અપાતો હોય છે.

આવી સુરક્ષા કરતા શ્વાનોને છ માસની ઉંમર થાય ત્યારપછી તાલીમ આપવાનુ શરૂ કરવામાં આવે છે. સૌપ્રથમ શ્વાનોને પરિચારકના હુકમનું પાલન કરતા શીખવવામાં આવે છે અને તેના આદેશ મુજબ શ્વાનને સીટ એટલે કે બેસી જવું, અપ એટલે ઉભા થવું, ડાઉન એટલે જમીન સાથે ચોટીને બેસવું, રેસ્ટ એટલે આરામ કરવો, રોલ એટલે પલટી મારવી તથા ઊંચ અધિકારીને તેની રીત મુજબ સેલ્યુટ લગાવવી તેવી રીતે આ શ્વાન કેળવાયેલ છે. રાજયના દરેક જીલ્લા મથકે ડોગ સ્કવોડ કાર્યરત છે પરંતુ સોમનાથ મંદિર ખારી હવાને કારણે શ્વાનની રૂવાંટી ન ખરી જાય અને હેલ્થ પ્રતિકુળ અસર ન થાય તે માટે આ મંદિરે દર એક મહિના માટે રાજયના જુદા-જુદા જીલ્લાઓમાંથી રોટેશનથી ડોગ સ્કવોડ ડેપ્યુટ કરાય છે. સોમનાથ મંદિર ખાતે ડોગ શેરૂ અને તેના હેન્ડલર જયપાલસિંહ ઝાલા નિયત ફરજ ઉપરાંત રાઉન્ડ-ધ કલોક એર્લટ રહે છે. સોમનાથ ખાતેના અમારા પ્રતિનિધી ભાસ્કર વૈદ્ય જણાવે છે કે શ્વાન દળમાં ટ્રેકટર ડોગ, સ્નીફર ડોગ અને નારકોટીકસ ડોગ હોય છે જે તમામની અલગ-અલગ પ્રકારની કામગીરી હોય છે. આ દળ ગુન્હાઓ ઉકેલવામાં પોલિસની મદદ ઉપરાંત વી.વી.આઇ.પી. સુરક્ષા પણ તેનો સમાવેશ થાય છે. અને અવરોધો પાર કરવા ઓપ્ટીકલ તાલીમ પણ અપાઇ હોય છે જેમાં હાર્ડલ જમ્પ, લુપ જમ્પ, ડોગવોક ઓવર બ્રીજ, બેલેન્સ જંપ, સીડીશીશો તથા રીંગમાંથી પસાર થવાની તાલીમ વારંવાર અપાતી રહેતી હોય છે. (૨૩.પ)

(11:59 am IST)