Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ભાવનગર : ગૌચર જમીન મુદ્દે ઉપવાસીનું મોત

વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરી સામે ચમારડીના રેવાભાઇ ગોદડભાઇ ચોહલાનું મોત થતા માલધારી સમાજમાં આક્રોશ

ભાવનગર : ગૌચરની જમીન મુદ્દે ઉપવાસ પર બેઠેલાઓ પૈકી એક માલધારીનું મોત નિપજતા માલધારી સમાજમાં રોષ ફેલાઇ જવા પામ્‍યો છે. ભાવનગરની સર ટી હોસ્‍પિટલ ખાતે આગેવાનો દોડી ગયા હતાં. (તસ્‍વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર, તા. ર૪ : ગૌચર જમીન ફાળવવા મામલે વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરી સમક્ષ ચાલતા માલધારી સમાજના પ્રતિક ઉપવાસ આંદોલનમાં જોડાયેલ ચમારડી ગામના આઘેડનું તબિયત લથડતા મોત નિપજયું હતું. આ બનાવના પગલે માલધારી સમાજના આગેવાનો હોસ્‍પિટલ દોડી ગયા હતાં.

ચમારડી ગામના માલધારીઓને ગૌચરની જમીન ફાળવવા અંગે ગત ૧૪મી મેથી તાલુકા પંચાયત કચેરી ખાતે માલધારીઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલ છે. આ આંદોલનમાં જોડાયેલ ચમારડી ગામના રેવાભાઇ ગોદડભાઇ ચોહલાની તબિયત લથડતા પ્રથમ વલ્લભીપુર અને ત્‍યારબાદ ભાવનગર હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ જયાં તેમનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું.

આ બનાવની જાણ થતાં માલધારી સમાજના આગેવાનો હોસ્‍પિટલ દોડી ગયા હતાં.

આ અંગે માલધારી સમાજના કમાભાઇ તથા રત્‍નાભાઇએ માહિતી આપી હતી.

ભાવનગર જિલ્લાના વલ્‍ભીપુર તાલુકાના ચમારડી ગામે માલધારી સમાજના ૧રપ જેટલા પરિવારો રહે છે અને પશુપાલન કરી પરિવાર તથા પશુઓનો નિભાવ કરે છે. અમુક ભૂમાફિયાઓ દ્વારા ચમારડી ગામની ગૌચરની ૧૪૧૬ વીઘા જમીન પર દબાણ કરી પચાવી પાડી હતી. જેના કારણે ગામમાં ગૌચરની જમીન ન રહેતા આ માલધારી પરિવારોને જીવનનિર્વાહ તથા પશુઓના નિર્વાહ માટે મુશ્‍કેલી ઉભી થઇ હતી. આ જમીન દબાણમુકત કરાવવા માટે તા. ર૦-૮-ર૦૧૬થી માલધારી સમાજના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત વલ્લભીપુર ખાતે આંદોલન ચલાવવામાં આવતું હતું. પરિણામ સ્‍વરૂપ તા. રર-૮-ર૦૧૬ના રોજ કલેકટર, ભાવનગર દ્વારા ગૌચરની જમીનની સરકારી ખર્ચે માપણી કરાવવા તેમજ આ જમીન પર થયેલ દબાણ ખૂલ્લુ કરાવવા હુકમ કરવામાં આવ્‍યો હતો. આ હુકમને બાવીસ માસ જેટલો લાંબો સમય પસાર થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી થયેલ ન હોવાથી આ આગેવાનો ગત તા. ૧૪-પ-ર૦૧૮થી પુનઃ ઉપવાસ આંદોલન પર બેઠા હતાં અને જો તંત્ર દ્વારા આ પ્રશ્નનો ઉકેલ ન આવે તો તા. ૧-૬-ર૦૧૮ના રોજ ચમારડી ગામેથી હિઝરત કરી અહિંસક આંદોલન કરવાની અને તેની સઘળી જવાબદારી પણ સરકારની રહેશે તેવી ચીમકી આપી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થયેલ નહોતી. આ આંદોલનકારીઓએ વિરોધ પક્ષના નેતાને પણ અરજી કરી આ બાબતે યોગ્‍ય કરાવવા રજૂઆત કરેલ હતી.

 તેઓની રજૂઆત સંદર્ભે વિરોધ પક્ષના નેતાના કાર્યાલય દ્વારા તા. ૧પ-પ-ર૦૧૮ના પત્રથી કલેકટર, ભાવનગરને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું. તેમ છતાં કોઇ કાર્યવાહી ન થતાં પુનઃ માલધારી સમાજના આગેવાનોએ તા. રર-પર૦૧૮ના રોજ વિરોધ પક્ષના નેતાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી આ અંગે જરૂરી કાર્યવાહી કરાવવા વિનંતી કરી હતી. જે અન્‍વયે વિરોધ પક્ષના નેતાના કાર્યાલય દ્વારા કલેકટર ભાવનગરને આ બાબતે નિયમોનુસારની કાર્યવાહી કરવા પુનઃ વિનંતી કરી હોવા છતાં કોઇ નક્કર કાર્યવાહી થયેલ નથી. આથી તંત્રે ધ્‍યાન હીં આપતા ઉપવાસ આંદોલન પર બેઠેલા માલધારી સમાજના આગેવાને આજે જીવ ગુમાવવો પડયો છે. ખેડૂતો અને પશુપાલકો માટે આ સરકાર સંવેદનશીલ નથી તે સાબિત થઇ ગયું છે.

(12:26 pm IST)