Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કોટડાસાંગાણીના ખરેડા ગામે પત્નિને કેરોસીન છાંટી સળગાવી દઇ હત્યાના ગુનામાં પતિને આજીવન કેદ

મૃતકનું ડી.ડી.જોતા આરોપી સામેનો કેસ સાબીત થાય છેઃ ગોંડલના સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની સફળ રજુઆતઃ ગોંડલ સેસન્સ કોર્ટનો ચુકાદો

ગોંડલ તા.૨૪: કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામમાં રહેતા રજપુત યુવાને પોતાની ધર્મ પત્નીને કેરોસીન છાંટી સળગાવી દઇ ખુન કરી નાખેલ જે કેસમાં પતિને આજીવનકેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવેલ છે.

આ કેસની ટુંકી હકીકકત એવી છે કે, રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ખરેડા ગામે તા.૩-૪-૧૬ના રોજ વિજય જીણાભાઇ ડાભી સદર બનાવના દીવસે ચીકાર દારૂ પીને પોતાને ઘરે આવેલ અને પોતાની ધર્મ પત્ની સુમીતાને ઢીકાપાટુનો માર મારેલ અને સુમીતાબેન ઉપર કેરોસી છાંટી તેણીને સળગાવી દીધેલ તેની જાણ સુમીતાબેનના ભાઇગોપાલભાઇ મહીપતભાઇ સોલંકીને થતા તેને પોલીસમાં ફરીયાદ આપેલ અને સુમીતાબેનનું મામલતદાર દ્વારા મરણોન્મુખ નિવેદન નોંધવામાં આવેલ જેમાં સુમીતાબેને સ્પષ્ટ જણાવેલ કે ''મારા પતિ વિજયભાઇ જીણાભાઇએ મારા પર કેસોસીન છાંટી સળગાવી દીધેલ છે'' અને સદરહું નિવેદનમાં એમ પણ જણાવેલ કે'' મારા પતિ અવાર નવાર દારૂપીને ઘરે આવતા હતા અને મારી સાથે મારકુટ કરતા હતા'' અને સારવાર દરમ્યાન સુમીતાબેન મૃત્યુ થયેલ અને વિજયભાઇ સામે ભારતીય દંડ સહીતાની કલમ-૩૦૨ તથા ૩૨૩ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો.

સદર ગંભીર બનાવનો ગુન્હો દાખલ થયા બાદ પોલીસે વિજય જીણાભાઇ ડાભીની ધરપકડ કરેલ અને ધરપકડ કર્યા બાદ કોટડા સાંગાણીના પી.એસ.આઇ. જે.એમ. વાળાએ ગુજરનાર સુમીતાબેનનું મરણોન્મુખ નિવેદન મેળવી કોર્ટમાં ચાર્જશીટ કરેલ.

ત્યારબાદ ઉપરોકત કેસ સેશન્સ અદાલત ગોંડલ ખાતે કમીટ થતા સરકારી વકીલશ્રી ઘનશ્યામભાઇ કેશવજી ડોબરીયા દ્વારા સરકારશ્રી તર્ફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકારશ્રી તર્ફે કુલ ૮ સાહેદો તપાસવામાં આવેલ અને મુખ્યતવે ગુજરનાર સુમીતાબેનનું મરણોન્મુખ નિવેદન અદાલતે ધ્યાને લઇ તેમજ સરકારી વકીલશ્રી ઘનશ્યામભાઇ ડોબરીયાની દલીલોને ધ્યાને લઇ આરોપી વિજયભાઇ જીણાભાઇ ડાભીને ભારતીય દંડ સહીતાની કલમ-૩૦૨ના ગંભીર ગુન્હામાં તકસીરવાન  ઠરાવી સેશનસ જજશ્રી જે.એન.વ્યાસ આજીવન કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ કે ડોબરીયા રોકાયેલા હતા.(૭.૭) 

(10:38 am IST)