Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

શું માત્ર 'દેખાડો' ? ... ગારીયાધારમાં ખાતમૂહુર્તના બે દિ' પછી જ સુજલામ-સુફલામ યોજનાની કામગીરીને બ્રેક!!

મોઢા એટલી વાતોઃ ટોળપાણ તળાવમાં માત્ર ત્રણ ખાડા ખોદી 'સંતોષ' માની લેવાયો કે : હીટાચી મશીન જ અદ્રશ્યઃ વાલમ જળ સંચયની કામગીરીને સરકારી કામગીરીમાં ચિતરી દેવાનો પ્રયાસ થઇ રહયાની જોરશોરથી ચર્ચા

 

જયાંથી એકાએક હિટાચી મશીન સહિતના સાધનો હટાવી લેવાયા તે સ્થળે માત્ર ખોદાયેલો ખાડો દર્શાય છે. (તસ્વીર-અહેવાલઃ ચિરાગ ચાવડા,ગારીયાધાર)

ગારીયાધાર, તા., ૨૪: અહીંયા સુજલામ-સુફલામ યોજના સંદર્ભે ટોળપાણ તળાવમાં  ખાતમુહુર્ત કરાયાના માત્ર બે જ દિવસમાં ઓચિંતી કામગીરીને બ્રેક લાગી જતા માત્ર દેખાડો જ કરવાનો હતો કે શું ? એવી વાતો સંભળાઇ રહી છે.

આ અંગે જાગૃત નાગરીકોમાં થતી ચર્ચાનુસાર ગારીયાધારમાં તાજેતરમાં ટોળપાણ તળાવમાં સુજલામ-સુફલામ યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ  કામગીરી પુર્ણ થાય તે પહેલા  માત્ર બે દિવસમાં જ બંધ કરી દેવાતા સમગ્ર શહેરી પ્રજા સામે સમગ્ર હકીકત આવી જવા પામી છે.

દરમિયાન ઘણા જાણકાર લોકો તો એમ પણ કહી રહયા છે કે ગારીયાધાર પંથકમાં વર્ષોથી વાલમ જળ અભિયાન દ્વારા પાણીતળ ઉંચા લાવવા માટે ૧૮૯ નાના-મોટા ચેકડેમો બાંધી તેમાં દર ત્રણ વર્ષે તેને ઉંડા ઉતારવામાં આવે છે. વાલમ જળ અભિયાનની ર૦૧૮માં થઇ રહેલી આ કામગીરી સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ કામગીરી તરીકે બિરદાવવાલાયક હોવાનું મનાઇ રહયું છે ત્યારે તંત્ર દ્વારા જાણી જોઇને પોતાની સુજલામ-સુફલામ યોજનામાં નામે ચડાવી 'જશ' ખાટવાનો પણ પ્રયાસ થવા લાગ્યો  છે કે શું? એવો અણિયારો સવાલ પણ ઠેક-ઠેકાણે સંભળાવા લાગ્યો છે.

તો વળી એવી પણ લોકચર્ચા છે કે, શહેરના ટોળપાણ વિસ્તારમાં આવેલા તળાવમાં વાલમ જળ અભિયાનની કામગીરી પુર્ણ થતા તકનો લાભ લેવા સીએમના હાથે ખાતમુહુર્ત કરી ખાડાઓ ખોદી દેવાયા હતા...પરંતુ કામગીરીને આગળ ધપાવવાને બદલે ખાતમુહુર્તના બે જ દિવસ પછી  અચાનક હિટાચી મશીન સહિતના સાધનો હટાવી લેવાતા તળાવ પાસેથી પસાર થતા તમામ લોકો તંત્રની કામગીરીને લઇને વિવિધ વાતો કરી રહયા છે.

આ બાબતે નગર પાલીકાના ચિફ ઓફીસર બી.આર.ખરાળેએ જણાવ્યું હતું કે, ખેડુતોની કાયમી માટીની માંગણી વધી હતી. જે તે કામગીરી કરતી સંસ્થા પાસે મશીનો વધારીને કામ એકાદ દિવસમાં ફરી શરૂ કરી દેવામાં આવશે. (૧.૯)

 

(10:37 am IST)