Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

જુનાગઢ જીલ્લામાં સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન અંતર્ગત પાણી પુરવઠા વાસ્મોની ઊત્કૃષ્ઠ કામગીરી

જૂનાગઢ તા. ૨૪: જળ એ જીવન છે. પાણી એ પરમકૃપાળુ પરમાત્માએ માનવજાતને આપેલ મહામૂલો પ્રસાદ છે.માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સુજલામ-સુફલામ જળ અભિયાન દ્વારા રાજયમાં જળ સંચય માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા.૦૧-૦૫-૧૮ થી તા.૩૧-૦૫-૧૮ દરમ્યાન ચાલનાર આ અભિયાનમાં જુનાગઢ જીલ્લામાં અન્ય વિભાગોની સાથે-સાથે પાણી પુરવઠા બોર્ડ દ્વારા જીલ્લાના તમામ ૯ તાલુકાઓમાં પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહેલ છે. જીલ્લામાં પાણી પુરવઠા બોર્ડની નર્મદા/ઓઝત-૨/ભાદર આધારીત કુલ ૧૩ જુથ પાણી પુરવઠા યોજનામાં કુલ ૪૫૯ ગામો સમાવિષ્ટ થયેલ છે. જેની કુલ ૧૧૦૦ કીમી. પાઇપલાઇન નેટવર્ક પૈકી ૯૯૦ કીમી. પાઇપલાઇનનું સર્વેક્ષણ થઇ ગયેલ છે, જેમાં ૧૬ લાઇન લીકેજીસ રીપેર કરેલ છે,  કુલ ૧૯૧૬ જેટલા એરવાલ્વ પૈકી ૧૬૯૩ એરવાલ્વનું નિરીક્ષણ થયેલ છે, ખામીયુકત ૨૩૮ એરવાલ્વનું મરામત કરેલ છે, ૮૨૯ એરવાલ્વસ્ ને કલર-વર્કસ કરેલ છે. જીલ્લાના કુલ ૪૫ હેડ/સબ-હેડવર્કસ પૈકી ૨૫ ની સફાઇ કરેલ છે, ૮ ફીલ્ટર પ્લાન્ટ પૈકી ૭ ની સંપુર્ણ સફાઇ થયેલ છે તેમજ હેડવર્કસના ઇ.એસ.આર., સમ્પ વગેરેની અંદર/બહાર સફાઇની કામગીરીઓ પણ પ્રગતિમાં  છે.

વિશેષમાં રાજયના શહેરોમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવાના આશયથી જે નગરપાલીકાઓમાં ભુગર્ભ ગટર યોજના કામો હાથ ધરવામાં આવેલ/આવી રહેલ છે, તેના સફળ સંચાલન માટે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ સાથે નાગરીકોનો સહયોગ જરૂરી છે. જે માટે ગટર યોજનાઓનો ઉપયોગ યોગ્ય રીતે થાય અને લોકોના સુખાકારી માટે મદદરૂપ થાય તે માટે લોકોને ભુગર્ભ ગટર યોજનાઓના હેતુ, ઉપયોગીતા અને સ્વાસ્થ્ય પર થતી અસરોની સમજણ આપવા માટે જન-જાગૃતિ ઝૂંબેશ ચાલુ કરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.૨૦-૦૫-૨૦૧૮ થી ૧૫ દિવસ સુધી નગરપાલિકાઓ દ્વારા સ્વયંસેવકો, સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન માં રહી જન-જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત જીલ્લાની ૦૬ નગરપાલીકાઓમાં જરૂરી બ્રોશર, સ્વયંસેવકોની કીટસ્ નું વિતરણ કરવામાં આવેલ છે, તેમજ સદરહુ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે.

આ સિવાય વાસ્મો દ્વારા ચોમાસા પહેલાના પ્રિ-મોન્શૂન કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના દરેક ગામમાં પીવાના પાણીના હયાત સોર્સનું પૃથ્થકરણ કરાવવામાં આવી રહેલ છે. જેની સાથે-સાથે દરેક ગામે સ્વચ્છતા અભિયાન, કલોરીનેશન, જળ સંગ્રહની જરૂરીયાત, પાણી બગાડ અટકાવવા જેવી બાબતોએ જન-જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે માટે લોકોને જરૂરી સમજણ આપવા સારૂ પ્રચાર અને પ્રસાર માટે બેનર્સ, પોસ્ટર સહિતની વિવિધ આઇ.ઇ.સી. પ્રવૃતિઓ પ્રગતિમાં છે. સદરહુ અભિયાન તળે વાસ્મો દ્વારા તા.૨૦-૦૫-૧૮ અંતિત કુલ ૨૨૭ ગામોમાં પાણી સમિતિઓ દ્વારા કુલ ૪૦૮ જેટલા સોર્સ તેમજ સ્ટોરેજ ની સફાઇ કરાવવામાં આવેલ છે, ૪૯ જેટલા લીકેજ બંધ કરી પાણીનો બગાડ અટકાવવામાં આવેલ છે.  તેમ પાણી પુરવઠા બોર્ડ/વાસ્મોની યાદીમાં જણાવેલ છે.

(10:35 am IST)