Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મોરબી સિરામિકનો વૈશ્વિક ડંકો: રૂ, 12000 કરોડની નિકાસ :1500 કરોડના રોકાણ સાથે નવા 50 વોલ યુનિટ શરૂ થશે

છેલ્લા એક વર્ષમાં નિકાસ બમણી : વોલ ટાઇલ્સ , ફલોર ટાઇલ્સ અને સેનેટરી વેર ઉત્પાદનોની ધૂમ ડીમાન્ડ

 

નવી દિલ્હી ;મોરબીના સીરામીક ઉદ્યોગે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડયો છે મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓએ છેલ્લા એક વર્ષમાં બમણાથી વધુ નિકાસ કરી છે.આગામી દિવસોમાં ૧૫૦૦ કરોડના રોકાણ સાથે નવા પ૦ વોલ ટાઇલ્સ યુનિટો શરુ થઇ રહ્યા છે એક વર્ષમાં નિકાસ બમણી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગે ઉંચેરી ઉડાન ભરી છે.

    હાલ સમગ્ર વિશ્વમાં વોલ ટાઇલ્સ , ફલોર ટાઇલ્સ અને સેનેટરી વેર ઉત્પાદનોની ધૂમ ડીમાન્ડ છે. ચાઇના સાથે સીધી હરીફાઇ હોવા છતાં વર્ષ ૨૦૧૬-૧૭ માં ૬૨૦૦ કરોડની વિદેશી નિકાસ બાદ વર્ષ ૨૦૧૭-૧૮ માં મોરબીના ઉદ્યોગકારોએ ૧ર૦૦૦ કરોડથી વધુની સિરામીક પ્રોડકટની નિકાસ કરી દેશને વિદેશી હુંડીયામણની કમાણી કરી આપી છે

  મોરબીમાં વોલ ટાઇલ્સ અને ફલોર ટાઇલ્સના ૬૪૦ થી વધુ યુનિટો છે. અને ૧૦૦ થી વધુ યુનિટો સેનેટરી વેર્સ્ટ ઉત્પાદકોમાં કાર્યરત છે એવા સંજોગોમાં આગામી ૧૦ મહીનામાં મોરબીમાં વધુ પ૦ યુનિટો ૧પ૦૦ કરોડના રોકાણ સાથે કાર્યરત થનાર છે અને હાલ નવા યુનિટોની કામગીરી જોશશોરથી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

   મોરબીનો સિરામીક ઉઘોગ દેશની સાથે સાથે અમેરીકા , ઓસ્ટ્રેલીયા , ગલ્ફ કન્ટ્રી , ઇટલી , સ્પેન સહીતના વૈશ્ર્વિક માર્કેટમાં પણ પોતાના ઉત્પાદન વેચી વિદેશી હુંડીયામણ કમાઇ રહ્યું છે. અને મોરબીના સિરામિક ઉદ્યોગે એક વર્ષમાં બમણી નિકાસ કરીને નવો વિક્રમ પણ પ્રસ્થાપિત કર્યો છે જે અન્ય ઉદ્યોગ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે

(12:47 am IST)