Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ગરમ હવામાન વચ્ચે પવનના સૂસવાટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર થતા અસહ્ય ઉકળાટ

રાજકોટ, તા.૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વત્ર ધોમધખતો તાપ યથાવત છે અને મહતમ તાપમાન ૪પ ડિગ્રીને પાર થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી મહતમ તાપમાન સડસડાટ ઉંચે ચડી જતા આકરા તાપથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.

વઢવાણ

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લામાં ગરમીની વધઘટના કારણે લોકો ત્રસ્ત બની ગયા છે. જેના કારણે છેલ્લા સાત દિવસમા જિલ્લામાં બે-વાર ૪૪થી વધુ ડિગ્રી તાપમાનનો સામનો લોકોને કરવો પડયો. જન જીવન સાથે પશુ પક્ષીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. પરંતુ તા.૨૧ને સોમવારે ૪પ.૩ ડિગ્રી તેમજ તા.૨૨ને મંગળવારે ૪પ ડિગ્રીનો સામનો કરવો પડયો હતો.

સુરેન્દ્રનગર શહેરની સાથે જીલ્લામાં તાપમાનમાં વધારો ઘટાડો થવાથી જન જીવન સાથે પશુ પંખીઓ પર અસર થઇ છે. છેલલા ૧પ દિવસોથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી ઉપર રહેવાની સાથે સુર્યનારાયણનો મિજાજ વધારે ગરમ જોવા મળી રહ્યો છે.

ઝાલાવાડમાં હાલ કાળઝાળ ગરમી સાથે વધતા ગરમીના પારાના લીધે મનુષ્યો પશુ પંખીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પરીણામે સોમવારે મહત્તમ તાપમાન ૪પ.૩ ડિગ્રીનો સામનો થયા બાદ પણ સુર્યનારાયણ ૪પ.૦ ડિગ્રીએ તપતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. બીજી તરફ ૨૦૧૭ના મે માસ કરતા ૨૦૧૮ નો મે મહિનો વધુ આકરો લોકો માટે સાબિત થઇ રહ્યો છે. સવારથી જ તાપમાનનો પારો રહે છે ગરમ.

સુરેન્દ્રનગર જીલ્લામાં સુર્યનારાયણ આકરા પાણીએ છે. જેમાં સવારથી જ તાપમાનનો પારો ચડતો જાય છે. વહેલી સવારે તાપમાન ૨૭/૨૮ વચ્ચે રહ્યા બાદ સવારે ૯ વાગ્યાથી જ તાપમાન ૩પ થી ઉપર રહે છે.

તાપમાનનો પારો ૪પને પાર પહોંચતા શહેરમાં શેરડીનો રસ, તરબુચ, શરબત, છાશ, નાળીયેર પાણીની લારીઓમાં લોકોની ભારે ભીડ જામેલી જોવા મળે છે. અસહય ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તરફ વધુ વળ્યા છે.

ભાવનગર ૪૧.૭ ડીગ્રી

 ભાવનગરઃ ભાવનગરમાં બપોરે ૨૨ કિ.મી.ની ઝડપે ગરમ લુ ફેંકાઇ હતી. શહેરનું તાપમાન ૪૧.૭ ડીગ્રીએ લઘુતમ તાપમાન ૨૬.૨ ડીગ્રી નોંધાયુ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩પ ટકા અને પવનની ઝડપ ૨૨ કિ.મી. પ્રતિ કલાક મળી હતી. ગરમીને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે. (૨૩.૬)

 

(12:00 pm IST)