Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આમોદ્રા ગ્રામ્ય તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી પુરજોશમાં શીંગોડા ડેમની મોટી સોના જેવી ફળદ્રુપ બનશે

ગીર સોમનાથ, તા.૨૩:    જળસંચય અભિયાન અંતર્ગત ઉના તાલુકાના આમોદ્રા ગ્રામ્ય તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી પુરજોશમાં છે. આમોદ્રા ગામે તા. ૧૭ મે થી તળવ ઉંડુ ઉતારવાની કામગીરી કાર્યરત કરાઈ છે. રૂ.૫.૧૦ લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીમાં ૧૮૩ શ્રમીકો જોડાયા હતા.

 

  જળસંગ્રહ અભિયાન અંતર્ગત આમોદ્રા ગામે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કાર્યરત કરાતા વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ થશે. તળાવમાં પાણીનો સંગ્રહ થવાથી આવનારા દિવસોમાં ગ્રામજનોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

તળાવમાં રોજગારી મેળવતા શ્રમીક મનુભાઈ ઉનેવાળે કહ્યું કે, મનરેગા યોજના અન્વયે અમારા ગામનું તળાવ ઉંડુ ઉતારવામાં આવી રહયુ છે, આ તળાવ ગ્રામજનો માટે  રોજગારીનું માધ્યમ બન્યું છે તળાવ ઉંડુ ઉતારવાનું કામ શરૂ કરવામા આવતા ગરીબ લોકો આ યોજનામાં જોડાયા છે અને તેઓને સરકારશ્રી તરફથી રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. રોજગારીની સાથો-સાથ આ તળાવ ઉંડુ ઉતારવાથી તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થશે. મનુભાઈની વાતને સમર્થન આપતા વિરજીભાઈ ઉનેવાળે કહ્યું કે, આ તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવતા મારા પરિવારના ચાર સભ્યોને રોજગારી મળતી થઈ છે  સરકારશ્રી તરફ અમને કામના બદલામાં આપવામાં આવતી રોજગારી અમારા માટે સંતોષજનક છે.

જામવાળાના ખેડૂત બાબુભાઈ હીરપરાએ સુજલામ-સુફલામ યોજનાને આવકારી કહ્યું કે, શીંગોડા ડેમ માંથી માટી કાઢી ડેમ ઉંડો ઉતારવાની સાથે તેમાં પાણીનો સંગ્રહ થશે. મારે ખેતીલાયક જમીન ૧૩ વીદ્યા હોવાની સાથે શીંગોડા ડેમ માંથી માટી બહાર કાઢી ખેતરમાં નાખવાથી ખેતરની ફળદ્રુપતા વધશે. આ માટી નાખવાથી ઉત્પાદનમાં પણ વધારો થશે. તેઓએ વધુમાં કહ્યું કે, સરકારશ્રી દ્રારા કાર્યરત સુજલામ-સુફલામ યોજનાથી જામવાળાના ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે. ખેતી માટે ઉત્પાદનયુકત માટી આપવાની સાથો-સાથ શીંગોડા ડેમમાં પાણીનો સંગ્રહ થવાથી  પાણીના તળ ઉંચા આવશે.

ખેતરમાં માટી નાખવાથી બે વર્ષમાં આંબાના બગીચાના રંગ-રૂપ બદલી જશે

સુજલામ-સુફલામ યોજના અંતર્ગત જામવાળાના ખેડૂત અલ્પેશભાઈ ત્રાપસીયાએ કહ્યું કે, આજથી ૪૦ વર્ષ પહેલા શીંગોડા ડેમનું નિર્માણ કરાયું હતું. ૨૦ વર્ષ પહેલા કુવામાં ૬૦ થી ૭૦ ફૂટે પાણી મળી રહેતું હતું. શીંગોડા ડેમ ઉંડો ઉતારવાથી તેમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ થશે. ડેમમાં વરસાદી પાણીની આવક વધવાથી આવનારા સમયમાં ખેતરોમાં પાણીના તળ ઉંચા આવશે જેથી ખેડૂતોને તેનો સીધો લાભ થશે.

        તેઓએ વધુંમાં ઉમેર્યું કે, મારે ૩૫ વીદ્યા ખેતી લાયક જમીનમાં શીંગોડા ડેમમાંથી માટી બહાર કાઢી ખેતરમાં નાખવામાં આવી રહી છે. આ માટી ખેતરમાં નાખવાથી દ્યણા સમય સુધી ખાતર નાખવાની જરૂર નહી પડે. આ માટી નાખવાથી બે વર્ષમાં આંબાના બગીચાના રંગ-રૂપ બદલી જશે અને સાથો-સાથ ઉત્પાદન પણ વધશે.

સરકારશ્રીનો આ નિર્ણય ધન્યવાદને પાત્ર છે

જામવાળાના સરપંચશ્રી નરેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, શીંગોડા ડેમ માંથી તા. ૧૨ મે થી માટી કાઢવાના કામનો પ્રારંભ કરાયો હતો. જામવાળા ગામના ખેડૂતો તેમના ખર્ચે જે.સી.બી.મશીન અને ટ્રેકટરની મદદથી શીંગોડા ડેમ માંથી દિવસ દરમ્યાન ૧૦૦ ટ્રેકટર ભરીને માટી બહાર કાઢી ડેમને ઉંડો ઉતારવામાં આવી રહ્યો છે. આ માટી બહાર કાઢી ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવે છે જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો થવાની સાથે ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થશે. સુજલામ-સુફલામ યોજના અંતર્ગત શીંગોડા ડેમ માંથી માટી બહાર કાઢવાની મંજુરી આપવાનો સરકારશ્રીનો આ નિર્ણય ધન્યવાદને પાત્ર છે.(૨૨.૪)

(10:43 am IST)