Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મોરબી લાયન્સનગરમાં અઠવાડિયાથી પાણી વિતરણ ઠપ્પઃ પાલિકામાં ઉગ્ર રજુઆત

મોરબી, તા.૨૩: છેવાડે આવેલા લાયન્સનગર વિસ્તાર સાથે તંત્ર હમેશા ઓરમાયું વર્તન કરતુ હોય તેવા આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવતા હોય છે. આ વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધાના અભાવે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ભરઉનાળે પાણી ના મળતા આજે મહિલાઓનું ટોળું કચેરીએ દોડી ગયું હતું.

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા પાંચ-છ દિવસથી પાણી બિલકુલ બંધ હોય જેથી ભરઉનાળે પાણી વિના લોકો તરવરી રહ્યા છે તો આજે પાણીના પ્રશ્ને સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીની આગેવાની હેઠળ મહિલાઓનું ટોળું પાલિકા કચેરી પહોંચ્યું હતું અને ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે લાયન્સનગરમાં છેલ્લા પાંચ દિવસથી વધુ સમયથી પાણી મળતું નથી અને પાણી પુરવઠા તેમજ પાલિકાના અધિકારીઓને ફોન પર વાત કરી હતી તે ઉપરાંત ધારાસભ્યને પણ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. તો વળી આસપાસની સોસાયટીઓમાં પાણી આવે છે તો તેની સોસાયટીને જ કેમ પાણી મળતું નથી તેવા અણીયારા સવાલો ઉઠાવ્યા છે અને આ વિસ્તારની સમસ્યા અંગે યોગ્ય પગલા ભરવા અને પાણીની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.(૨૨.૩)

(10:41 am IST)