Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

મોરબીના કોવિડ કેર સેન્ટરમાં મહિલા દર્દીના જન્મદિવસની અનોખી ઉજવણી

કેક કાપીને સંસ્થાએ જન્મદિવસની ઉજવણી કર્યા બાદ મહિલા દર્દી સ્વસ્થ થતા માનભેર વિદાય આપી

મોરબી : મોરબીમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે બેડના અભાવે રઝળતા સમાજના દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા રઘુવંશી સમાજ દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓના મનમાંથી કોરોનાનો હાઉ દૂર કરવાનો સકારાત્મક પ્રયાસો કરવામાં આવે છે. જ્યારે આજે આ કોવિડ સેન્ટરમાં દાખલ મહિલા દર્દીનો જન્મદિવસ હોવાથી સંસ્થા દ્વારા કેક કાપીને તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સાથેસાથે આ મહિલા દર્દી સ્વસ્થ થતા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી.

 

મોરબીના રઘુવંશી સમાજ દ્વારા સમાજના કોરોનાગ્રસ્ત લોકોને કોવિડની સઘન સારવાર આપવા માટે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને દર્દીઓને મનમાંથી રોગનો ડર દૂર કરવામાં આવે અને એને પ્રફુલ્લિત રાખવા માટેના સકારાત્મક પ્રયાસો કરાઈ તો દર્દીઓ ઝડપથી સજા થઈ જતા હોય છે ત્યારે આ કોવિડ સેન્ટર ચલાવતી સંસ્થા દ્વારા દર્દીઓના મનમાંથી રોગનો ડર દૂર કરવા માટે હાસ્ય સહિતના કાર્યક્રમો યોજીને દર્દીઓને પ્રફુલ્લિત રાખવાના હકારાત્મક પ્રયાસો થાય છે.
દરમિયાન આ કોવિડ સેન્ટરમાં ઘણા દિવસોથી સારવાર લઈ રહેલા મહિલા દર્દી આજે સ્વસ્થ થયા હતા સાથેસાથે આજે એમનો જન્મદિવસ હતો. આથી, સંસ્થાએ કેક કાપીને મહિલા દર્દીનો જન્મદિવસ રંગેચંગે ઉજવ્યો હતો. આ જન્મદિવસની ઉજવણી એ રીતે કરી હતી કે આ સ્થળ દર્દીઓના સારવાર માટેનું ભારેખમ કેન્દ્ર ન લાગે અને પાર્ટી જેવું જ સ્થળ લાગે. આ રીતે જન્મદિવસ ઉજવીને સ્વસ્થ થયેલા મહિલા દર્દીને રજા આપવામાં આવી હતી.

(10:57 pm IST)