Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

મોઢું બતાવતી નહી.. તેમ પતિએ કહેતા અમરેલીમાં પત્નિ કંચન ચાવડાનો આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૪ : મુળ બાબાપુરના હાલ અમરેલી સર્વોદય સોસાયટીમાં રહેતા કાળુ આલાભાઇ ચાવડા (ઉવ.૩૫)ના લગ્ન કોટડાસાંગાણીના રામોદ ગામે કંચનબેન સાથે થયેલ. લગ્ન બાદ અવાર-નવાર મેણા મારી ત્રાસ આપી પતિ કાળુએ નોકરી પર જતાં પતિને મોઢુ બતાવતી નહીં તેવું જણાવી મરી જવા મજબુર કરતા તા. ૭/૪/૨૧ના એસિડ પી જતા સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ પામ્યાનું અને બહેનને મરી જવા મજબુર કરતા ભાઇ પ્રેમજીભાઇ આણંદભાઇ રાઠોડ રહે. રામોદવાળાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.

મોત

દામનગરના ધુફણીયા ગામે રહેતી હિરલબેન અલ્પેશભાઇ ધનવાણીયા (ઉવ.૨૬) પીયરમાં ચાર-પાંચ દિવસ આટો મારી સાસરે આવેલ. ત્યારે પતિ તેને ઓછુ બોલાવતા હોવાથી પોતાને લાગી આવતા એસીડ પી જતા સારવાર માટે સિંહોર દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું પતિ અલ્પેશભાઇ ધનવાણીયાએ દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

વિજ શોક

બાબરા તાલુકાના લોનકોટડા ગામના વિનુભાઇ ગોકળભાઇ રામાણી (ઉવ.૪૦)ની ઉગમણી નામે ઓળખાતી કોટડાપીઠા સીમમાં આવેલ વાડીએ રાત્રીના સમયે પાણી વાળવા માટે ગયેલ હતા. ત્યારે રાત્રીના ૮:૩૦ કલાકે વાડીમાં આવેલ ઓરડીમાં ઇલેકટ્રીક સ્ટાર્ટરમાં અકસ્માતે વીજ શોક લાગતા મોત નિપજયાનું મોટાભાઇ ધીરૂભાઇ રામાણીએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

જુગાર

અમરેલી બગસરા રોડ ઉપર બાલાજી હોટલ પાછળ જાહેરમાં જુગાર રમતા વિશાલ શેખર શુકલ, હિતેષ પ્રવિણ શુકલ, અસરફ અબુ મોરવાડીયા, સાકીર સતાર ધાનાણી, સબીર સતાર ધાનાણી, ભુપત કેસુ પાટડીયા, ફીરોજ બાલુ રૂપાણી, જયરાજ બીચ્છુ વાંકને એલ.સી.બી. પો.કોન્સ. ઉદયભાઇ મેણીયાએ રોકડ રૂ. ૨૭,૦૦૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

જુગાર

રાજુલા મફતપરા વિસ્તારમાં હારજીતમાં જુગાર રમતા ઇમરાન યુનીસ હબીબાણી, રાજુ મુકેશ ગોંડલીયા, અબા બચુ સીધાતર, જાકીર ભીખુ શેખ, રફીક જુસબ સીધાતર, હસનખા હસુખા પઠાણને પો. કોન્સ. રોહિતભાઇ પરમારે રોકડ રૂ. ૧૨,૪૨૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

(12:47 pm IST)