Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

જુનાગઢઃ રૂ.૮૯ લાખના સોનાની ચોરીનો પાંચ દિવસમાં ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચઃ બે બંગાળીની ધરપકડ

નાગપુર ખાતેથી દબોચી લઇ રૂ. ૮૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૪: જુનાગઢના રૂ. ૮૯ લાખના સોનાની થયેલ ચોરીનો ક્રાઇમ બ્રાચે  પાંચ દિવસમાં ભેદ ઉકેલી નાગપુર ખાતેથી બે બંગાળીની ધરપકડ કરી રૂ. ૭૦ લાખનો મુદામાલ કબ્જે કરવાની સાથે મહત્વની સફળતા હાંસલ કરી છે.

જુનાગઢમાં છાયા બજાર રંગ મહેલ સામે આવેલ માંડલીયા જવેલર્સ નામના સોનાના દાગીના બનાવવાના કારખાનામાં કામ કરતા બંગાળી કારીગર અબ્દુલ ફિરોઝ અબ્દુલ આજીમ અને સમ્રાટ અજીત નામના શખ્સો ગત તા.૧૯ના રોજ કારખાનાના તાળા તોડીને રૂ.૮૯ લાખ ૪૧૯ની કિંમતનું ૧૯૮૪ કિલોગ્રામ સોનુ ચોરીને નાસી ગયા હતા.

આ અંગે જવેલર્સ કિરીટભાઇ પ્રતાપભાઇ માંડલીયાએ એ ડીવીઝનમાં ફરીયાદ કરતા પીઆઇ આર.જી.ચૌધરી વગેરેએ તપાસ હાથ ધરી હતી.

આ ચોરીનો ભેદ ઉકેલવા માટે એસપી રવી તેજા વાસમ શેટીએ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એ ડીવીઝન પોલીસ વગેરેની પાંચ ટીમની રચના કરી હતી.

જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ સેટીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ એચ.આઇ.ભાટી તથા પીએસઆઇ ગોહીલ તેમજ શ્રી બડવા વગેરેએ કમાન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પ્રતિક મશરૂ વગેરેની મદદથી રૂ. ૮૦ લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

એસપી રવી તેજા વાસમ શેટીએ સવારે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે જુનાગઢ ક્રાઇમ બ્રાંચના કાફલાએ મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી બંગાળી કારીગર અબ્દુલ ફિરોજ અને સમ્રાટ અજીતની ધરપકડ કરી છે. તેમજ બંને પાસેથી રૂ.૮૦લાખનો મુદામાલ પણ કબ્જે કર્યો છે.

આ બંને બંગાળી કારીગરને જુનાગઢ લાવી આકરી પુછપરછ હાથ ધરવામાં આવી છે. અગાઉ બંનેએ અલગ ચોરી કરી છે કે કેમ? તે અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. માત્ર પાંચ જ દિવસમાં રૂ. ૮૯ લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવવા બદલ એસપ,ી રવી તેજા વાસમ સેટી અને ક્રાઇમ બ્રાંચ સહીતના પોલીસ કાફલા પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(12:44 pm IST)