Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સુરેન્દ્રનગરના ખારાઘોડાના દર્દીનું ઓકિસજનના અભાવે મોત

૬૦ કિ.મી.ના ૧૦ હજાર રૂપિયા લીધા છતાં એમ્બ્યુલન્સમાં ઓકિસજનની સુવિધા ન મળ્યાનો પરિવારજનો આક્ષેપ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૪ : પાટડી તાલુકાના ખારાઘોડા (સ્ટેશન) ખાતે રહેતા રાજુબેન રણાભાઈ ઠાકોરને છેલ્લા એક અઠવાડીયાથી તાવ, ઝાડા હોય તબીયત લથડતા પાટડી સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જયારે રણાભાઈ ચુંડાભાઈ ઠાકોરને પણ બે દિવસ પહેલા તાવ, શરદી થતાં પાટડી સરકારી હોસ્પીટલે લાવવામાં આવ્યા હતાં અને ત્યાંથી લક્ષણો જણાતા પાટડી કેજીબીવી વિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવેલ કોવીડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

જે દરમ્યાન તેઓને ફરજ પરનાં ડોકટરે સીટી સ્કેન કરાવવાનું જણાવ્યું હતું આથી વિરમગામ ખાનગી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો કારણકે ઓકસીજન વગર જઈ શકે તેમ ન હોય પાટડીથી વિરમગામ માત્ર ૩૦ કિલોમીટર જેટલી અંતર હોવા છતાં ઓકસીજનની સુવિધા મળી રહે તે માટે વિરમગામથી એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી. આથી વિરમગામ ડિજાસ્ટર મેનેજમેન્ટ કમિટિ - ભાગ્યોદય હોસ્પીટલની એમ્બ્યુલન્સ વાન આવી હતી અને પાટડીથી દર્દીને લઈ વિરમગામ પહોંચે તે પહેલા જ એમ્બ્યુલન્સમાં ઓકસીજન પતી જતાં દર્દી રણાભાઈનું રસ્તામાં જ ભોત નીપજયું હતું.

આથી તેઓને પરત પાટડી લાવવામાં આવ્યાં હતાં જયાં પુત્ર અને પુત્રી દ્વારા એમ્બ્યુલન્સના મેનજમેન્ટ પર આક્ષેપ કર્યો હતો અને માત્ર ૬૦ કિલોમીટરના રૂપિયા ૧૦,૦૦૦ જેટલું ભાડું વસુલવામાં આવતું હોવા છતાં દર્દીને પુરતો ઓકસીજન મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ ન કરાવતાં ગરીબ માણસોની મજબુરીનો ફાયદો ઉઠાવી ઉઘાડી લુંટ ચલાવતાં હોવાનો આક્ષેપ કર્યો હતો અને ઓકસીજનના અભાવે પિતાનું મોત થતાં આગામી દિવસોમાં એમ્બ્યુલન્સના મેનેજમેન્ટ સ્ટાફ પર કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું.

(11:55 am IST)