Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોડીનાર મુસ્લિમ સમાજના યુવાનોએ હિન્દુ વૃધ્ધની અંતિમ વિધિ કરી માનવતા મહેકાવી

કોરોનાની બીકે વૃદ્ધાની અંતિમ વિધિમાં કોઈ મદદે ના આવતા છેવટે મુસ્લિમ યુવાનોએ મદદે દોડી જઇ કોમી એકતાની મિશાલ પ્રગટાવી કોમવાદી પરિબળોને તમાચો માર્યો

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૨૪: કોરોનાના સતત વધતા જતા કેસોમાં અનેક બનાવો માનવતાને જીવંત કરી રહ્યા છે,તેવો જ એક બનાવ કોડીનાર શહેરમાં બનવા પામ્યો છે.કોડીનારની હિન્દૂ વૃદ્ઘાનું મૃત્યુ થતા તેની અંતિમ વિધિમાં કોરોના ની શંકા એ બીક ના માર્યા કોઈ મદદે ના આવતા અને આ અંગે મુસ્લિમ યુવાનો પાસે મદદ ની ગુહાર લગાવતા કોડીનારના ઉના ઝાપા ના મુસ્લિમ યુવાનોએ તાત્કાલિક દોડી જઇ હિન્દૂ વૃદ્ઘા ની હિન્દૂ ધાર્મિક વિધિ મુજબ અંતિમ વિધિ કરી માનવતા મહેકાવી હતી.

કોડીનારના પોશ એરીયા એવા સમર્પણ સોસાયટીમાં રહેતા નિલાબેન જમનાદાસ શાહ ઉ.વ. આશરે ૭૫ ની તબિયત બગડતા પ્રથમ હોસ્પિટલમાં નિદાન કર્યા બાદ કોરોનાના લક્ષણ દેખાતા તેમને ઘરે જ કોરોન્ટાઈન કરાતા આ દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા ઘરે જ ઓકસીજન આપી સારવાર આપવામાં આવતી હોય તે દરમિયાન આજે બપોરે નિલાબેનનું મૃત્યુ નિપજતા અને નિલાબેનના બે પુત્રો પેકી એક પુત્ર માનસિક રીતે અસ્થિર હોય અંતિમ ક્રિયા માટે કોઈ મદદે ન આવતા અને આજુબાજુના પડોશીઓએ પણ કોરોનાની બીકે પોતાના દરવાજા બંધ કરી અંતિમવિધિ માટે બહાર ન આવતા આ અંગે સુરેશભાઈ શાહ અને મૃતક નિલાબેનના જમાઈએ મુસ્લિમ યુવાનોનો સંપર્ક કરી મદદની ગુહાર લગાવતા ઉના ઝાપાના મુસ્લિમ યુવાનો એ આ અંગે સમાજના આગેવાનોને જાણ કરી તેમના માર્ગદર્શન હેઠળ તાત્કાલીક અસરથી હિન્દૂ વૃદ્ઘાના ઘરે દોડી જઇ પુરા માન સન્માન સાથે હિન્દૂ વૃદ્ઘાની અંતિમયાત્રા કાઢી સ્મશાને લઈ જઈ હિન્દૂ રીતી રિવાજ મુજબ અંતિમવિધિ કરી અગ્નિ સંસ્કાર કર્યા હતા.

આ અંગે ઉના ઝાપાના મુસ્લિમ યુવાનો એ જણાવ્યા મુજબ અમો એ નિલાબેનની અંતિમવિધિમાં કોરોનાનો કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ફકત ઇસ્લામ ના કર્તવ્ય એવા હુકુકુલ ઇબાદ (માનવ સેવા)ને ધ્યાને રાખી અંતિમ વિધિ કરી માનવ સેવા એજ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરી બતાડી રમઝાન મહિનામાં રોજાની હાલતમાં આ નેક કામ કરી ખરી ઇબાદત કરી હોવાનું જણાવ્યું હતું.ઉના ઝાપાના મુસ્લિમ યુવાનોની આ માનવ સેવાને સમગ્ર મુસ્લિમ સમાજે બિરદાવી હતી.

(11:52 am IST)