Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ગોંડલ ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજન ઘટનું આભ ફાટયુ ત્યાં સરકારે માત્ર થીગડા માર્યા

તમામ હોસ્પિટલોમાં ઓકિસજન ઘટથી હોબાળો મચ્યો હતો તબીબો અને મેડિકલ સ્ટાફ ભાવુક બની ગયા હતા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૪: ગોંડલ ખાનગી હોસ્પિટલોમાં ૨૦૦થી ૨૫૦ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ઓકિસજનનો જથ્થો સમયસર ન આપવામાં આવતાં દર્દીઓ ના જીવ જોખમમાં મુકાયા હતા શુક્રવાર સવારે તબીબો મૂંઝવણમાં મુકાતા મીડિયા અને રાજકીય આગેવાનો ને જાણ કરાઈ હતી અને તેઓના પ્રયત્નોથી નિંભર તંત્ર સફાળું જાગ્યું હતું અને આભ ફાટ્યું છે ત્યાંથી થિંગડા માર્યા હતા.

શહેરની શ્રીજી હોસ્પિટલ, ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં શુક્રવાર સવાર ના ઓકિસજન પૂરો થઈ જવાની ડોકટર પિયુષ સુખવાલા, ડોકટર ભરત શિંગાળા, ડોકટર વિદ્યુત ભટ્ટ સહિતનાઓએ સરકારી તંત્ર ને જાણ કરી હતી પરંતુ તંત્રના પેટનું પાણી હલતું ન હોય ઉપરોકત તમામ હોસ્પિટલમાં ઓકિસજન તળિયે આવી જતા તબીબો ભાવુક બન્યા હતા મીડિયા અને રાજકીય આગેવાનોને જાણ કરતાં ગણેશસિહ જાડેજા,નૈમિષભાઇ ધડુક,અલ્પેશ ઢોલરીયા સહીત હોસ્પિટલ ખાતે એકઠા થઇ ગયા હતા અને તંત્રને ઢંઢોળતા ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ માં ૫૮ સિલિન્ડર, શ્રીજી હોસ્પિટલ માં ૨૫ સિલિન્ડર ફાળવ્યા હતા જેના થકી માત્ર ૧૨ થી ૧૫ કલાક સુધીનો સમય પસાર થઇ શકશે વાસ્તવમાં એક ખાનગી હોસ્પિટલોમાં ૫૦ થી ૭૫ દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય ડબલ સિલિન્ડરની જરૂરિયાત સામે માત્ર અડધો જથ્થો મળી રહ્યો છે જો સરકારની નીતિ આવી જ રહી તો આગામી સમયમાં ગંભીર પરિસ્થિતિ નો સામનો કરવો પડશે તેવી દહેશત વ્યકત થવા પામી છે.

(11:45 am IST)