Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

બેડ અને તબીબી સેવાના જૂઠાણા બંધ કરો : કચ્છમાં દર્દીઓના જીવન મરણ વચ્ચે ઝોલા

કોંગ્રેસી આગેવાનોની સરકાર અને તંત્ર ઉપર પસ્તાળ કેમ પરિસ્થિતિ થાળે પડતી નથી ? હજીયે ૧૨૪૯ બેડ ખાલી હોવાના તંત્રના દાવા વચ્ચે દર્દીઓને દાખલ થવામાં વિડંબણા : પદાધિકારીઓ સરકાર સમક્ષ સાચી રજૂઆત કરે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : કચ્છમાં કોરોનાની સારવાર માટે વહીવટી તંત્રના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા રૂવાંડા ઉભા કરી દે તેવી છે. કચ્છ કોંગ્રેસના આગેવાનોએ આ સંદર્ભે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારની કંગાળ પરિસ્થિતિ અને તેમના પરિવારજનોની લાચારી અંગે સરકાર અને વહીવટીતંત્ર ઉપર પસ્તાળ પાડી છે. સમગ્ર કચ્છમાં રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ ખોરંભે છે.

આ સંદર્ભે સતત લડત ચલાવતા પ્રદેશ મંત્રી રફીક મારાએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે, ગઈ કાલે ફરી એક વાર ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓના સગાવ્હાલાઓ રાહ જોતા રહ્યા પણ ટોકન વિતરણ કરાયું નહી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ ઈન્જેકશન માટે કમિટી બનાવી પણ સ્થિતિ સુધરી નથી. ગઇકાલે ઈન્જેકશન અપાયા નહીં અંતે દર્દીઓના પરિવારજનોએ ડખ્ખો કર્યા બાદ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી દોડી આવ્યા અને પરિસ્થિતિ થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. જોકે, ઈન્જેકશનના અભાવે દર્દીઓ મોતના મુખ તરફ ધકેલાઈ રહ્યા છે.

કચ્છમાં ઓકિસજનની અછત બાબતે પ્રદેશ કોંગ્રેસના મંત્રી રવીન્દ્ર ત્રવાડીએ તંત્ર સામે સવાલો કરતાં જણાવ્યું છે કે, કોરોનાની સારવાર બાબતે તંત્ર જરૂરી તૈયારીમાં નિષ્ફળ ગયું છે. અત્યારે ભુજની મુખ્ય કોવિડ હોસ્પિટલ સરકારે પોતાની હસ્તક લઈ લેવી જોઈએ. જયારે તાલુકા કક્ષાએ ઉદ્યોગોની મદદથી સીએસઆર ફંડ દ્વારા તબીબી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. રવીન્દ્ર ત્રવાડીએ કચ્છનું ભૌગોલિક અંતર વધુ હોઈ દર્દીઓ ગ્રામ્ય અને તાલુકા સ્તરેથી ભુજ પહોંચે તે દરમ્યાન તેમની જિંદગી ઉપર સતત જોખમ રહેતું હોવાનું જણાવી તાલુકા કક્ષાએ જ પૂરતી તબીબી વ્યવસ્થા ઉભી કરવા ઉપર ભાર મૂકયો છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપર રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણ અંગે ગુનો દાખલ કરવા લેખિતમાં માંગ કરી છે. એક બાજુ દર્દીઓને ઈન્જેકશન મળતાં નથી અને લાચાર છે, બીજી બાજુ એક સામટા ઈન્જેકશન કેમ ખરીદાયા? એ સવાલ સાથે કચ્છમાં કથળતી તબીબી સુવિધા સુધારવા રજૂઆત કરી છે.

જોકે, તંત્ર દ્વારા કચ્છની હોસ્પિટલોમાં ૧૨૪૯ બેડ ખાલી હોવાની માહિતી મીડિયા યાદીમાં અપાઈ છે. પણ, કચ્છના લોકોની વિડંબણા જુઓ કે, કોરોના ના દર્દીઓને હોસ્પિટલોમાં બેડ મળતાં નથી, એમ્બ્યુલન્સમાં સારવાર કરવી પડે છે, હોસ્પીટલો માં દાખલ દર્દીઓ માટે પૂરતા ઈન્જેકશન અને ઓકિસજન નથી. દર્દીઓના પરિવારજનો લાચાર છે. તંત્ર જૂઠાણાં બંધ કરે. તો, તંત્ર સાથે મિટિંગોમાં વ્યસ્ત પદાધિકારીઓ સરકાર સુધી કચ્છની સાચી પરિસ્થિતિની રજૂઆત પહોંચાડવામાં ઉણા ઉતરી રહ્યા છે.

(11:48 am IST)