Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભાવનગર જીલ્લામાં લોકસભાની ચૂંટણી અંગે ભારે સસ્પેન્સ

ભાવનગર, તા. ર૪ : ભાવનગર લોકસભા બેઠક ઉપર પ૮.૪૧ ટકા મતદાન થયું જે ગત લોકસભા કરતા એક ટકા વધુ મતદાન છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત ૧૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં કેદ થયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ કેન્દ્રીયમંત્રી, રાજયમંત્રી સહિતના નેતાઓએ ભાવનગરમાં મતદાન કર્યું હતું. પરિણામ અંગે ૧ માસ સુધી જબરૂ સસ્પેન્શ જામતું રહેશે.

ભાવનગર લોકસભા બેઠક માટે ગઇકાલે સવારના સાતથી સાંજના છ સુધી મતદાન થયું હતું. જીલ્લાની વિધાનસભા દીઠ મતદાનના આંકડા મુજબ તળાજામાં પ૬.૧૮ ટકા, પાલીતાણામાં પપ.પ૬ ટકા, ભાવનગર ગ્રામ્યમાં ૬.૮૪ ટકા, ભાવનગર પૂવૃમાં ૬૦.૭૮ ટકા અને ભાવનગર પશ્ચિમમાં પ૬.૧૦ ટકા, મતદાન થયું છે. સરેરાશ પ૮.૪૧ ટકા મતદાન થયું છે. જીલ્લામાં સૌથી વધુ ૬૦.૮૪ ટકા ભાવનગર ગ્રામ્યમાં અને સૌથી ઓછું મતદાન ગઢડામાં ૪૯.૭૦ ટકા થયું છે.

ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સંસદ રાજુભાઇ રાણા, જીલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વમંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, મોરી વિગેરે આગેવાનોએ સવારે જ મતદાન કર્યું હતું.

જયારે ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનહરભાઇ પટેલએ તેમના વતન વલભીપુર તાબેમાં પાટણ ગામે સવારે મતદાન કર્યું હતું.

ભાવનગરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે તમામ મતદાન મથકો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જીલ્લા પોલીસ વડાના સુપરવિઝન તળે પાંચ ડીવાયએસપી, નવ પીઆઇ ૧૮ પીએસઆઇ સહિત ૪૦૬ર પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત કરાયા હતા. જયારે પેરા મિલટ્રીની ફોર્સ ગોઠવાઇ હતી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.

(11:45 am IST)